લોકસભા ચૂંટણી-2019નું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 91 બેઠક ઉપર ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં મતદાન થઈ રહ્યું છે.
આ માટેનો ચૂંટણીપ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયો હતો. ભારતમાં કુલ સાત તબક્કામાં મતદાન થશે અને 23 મેના દિવસે ચૂંટણી પરિણામો જાહેર થશે. ભારતનું ચૂંટણીપંચ દેશના દરેક નાગરિકને મતાધિકારની ખાતરી આપે છે. જે અંતર્ગત ચૂંટણીપંચ દર વખતે પોતાના જ વિક્રમો તોડે છે.
આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા 'ઍક્સિબિલીટી ઑબ્ઝર્વર'ની નિમણૂક કરવામાં આવી છે. જે મતદાનમથક સુધી મતદારોને પહોંચવામાં મદદ કરે છે. ચૂંટણીપંચ દ્વારા લઈ જવાં-મૂકી જવાની સુવિધા, અંધ મતદારો માટે એસએમએસ સર્વિસ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
આ તસવીર અમારા સંવાદદાતા સલમાન રાવીએ ખેંચી છે. તસવીર છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના મતદાનકેન્દ્ર કિલેપલની છે.
સલમાનનું કહેવું છે કે આ મતદાનકેન્દ્ર પર અત્યારસુધી માત્ર બે જ મત પડ્યા છે. અહીંની દીવાલો પર માઓવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાના સંદેશ લખી રાખ્યો છે.
ભારતમાં ઉનાળાની હજુ શરૂઆત જ થઈ છે એમ છતાં દેશના કેટલાય વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવા લાગી છે. કેટલીય જગ્યાએ 40 ડીગ્રી તાપમાનમાં લોકો મતદાન કરવા કતારમાં ઊભેલા જોવા મળે છે.
નાગપુરમાં 42 ડીગ્રી તાપમાન વચ્ચે યોજાઈ રહેલા મતદાન અંગે બીબીસી મરાઠીના સંવાદદાતાએ સંબંધિત ટ્વીટ કર્યું છે.
એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલીથી પોતાનું ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું.ઉમેદવારી નોંધાવ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી અજેય નથી, 2004ની અટબિહારીની હારને ભૂલવી ન જોઈએ. ઉમેદવારી નોંધાવ્યા પહેલાં સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રોડ શૉ યોજ્યો હતો.
પ્રથમ તબક્કામાં ચાલી રહેલા મતદાનમાં એક વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થયા છે. જેમાં નાગાલૅન્ડમાં 57 ટકા, ઉત્તરાખંડમાં 41.27 ટકા, અરુણાચલ પ્રદેશમાં 40.95 ટકા, ત્રિપુરામાં 53.17 ટકા, મિઝોરમમાં 43.38 ટકા, લક્ષદ્વીપમાં 37.7 ટકા અને મણિપુરમાં 53.44 ટકા મતદાન થયું છે.
મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલીમાં જિલ્લાના એક મતદાનકેન્દ્ર પર વિસ્ફોટ થયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શેખર સિંહે બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મતદાનકેન્દ્રથી 100 મિટરના અંતરે આ વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં કોઈને ઈજા પહોંચી નથી અને મતદાન ફરીથી શરૂ પણ કરી દેવાયું છે."
આંધ્ર પ્રદેશમાં હિંસક ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું
આંધ્ર પ્રદેશમાં મતદાન દરમિયાન બે રાજકીય પક્ષોના સમર્થકો વચ્ચે હિંસક અથડામણની ઘટના ઘટી હતી.
બીબીસી તેલુગુના સંવાદદાતા અનુસાર શાસક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી અને વાઈ. એસ. આર. કૉંગ્રેસ સમર્થકો વચ્ચે અનંતપુર જિલ્લાના એક મતદાન કેન્દ્ર પર હિંસક અથડામણ થઈ. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીજપ્યું.
આ ઘટનામાં ચાર લોકોને ઈજા પણ પહોંચી. રાજ્યના ગુંટુર જિલ્લામાં પણ હિંસક અથડામણ થઈ.
નોંધનીય છે કે લોકસભાની 25 બેઠકો પર રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે.
ભારતીય ચૂંટણીના કેન્દ્રમાં કોણ?
68 વર્ષના નરેન્દ્ર મોદી આ ચૂંટણીના કેન્દ્રમાં છે. કેટલાય લોકોને લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભારતમાં ધ્રુવીકરણ વધ્યું છે.
મોદીના નેતૃત્વમાં જ ભારતીય જનતા પક્ષે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો હતો. જોકે, આ વખતે મોદી વિરુદ્ધ કેટલાય પક્ષોએ ગઠબંધન રચ્યું છે.
પણ મોદી નહીં તો કોણ?
નરેન્દ્ર મોદીને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સ્પર્ધા આપી રહ્યા છે. જો રાહુલ વડા પ્રધાન બને તો તેઓ નહેરુ પરિવારમાંથી વડા પ્રધાન બનનારા ચોથા સભ્ય હશે.
2014માં રાહુલ ગાંધીના હાથમાં કૉંગ્રેસની કમાન નહોતી. જોકે, તેમણે ચૂંટણી અભિયાનમાં કૉંગ્રેસનું નેતૃત્વ ચોક્કસથી કર્યું હતું. અલબત્ત, એ વખતે કૉંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં 'ઘર્ષણ'
પશ્ચિમ બંગાળના કુચ બિહાર બેઠક ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો મળી રહ્યા છે. ભાજપે પોતાના કાર્યકરો ઉપર હુમલો કરવા માટે ટીએસી પર આરોપ લગાવ્યો છે. જોકે, ટીએમસીએ આ આરોપ ફગાવી દીધો છે. નોંધનીય છે કે બંગાળમાં ભાજપ અને ટીએમસી પરંપરાગત પ્રતિસ્પર્ધી છે.
શું ભારતીય સૈન્યના પૂર્વ વડા પ્રમુખ વી. કે. સિંહ ગાઝિયાબાદમાંથી ફરી એક વખત જીત હાંસલ કરી શકશે?
પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર છે.
વી. કે. સિંહ વિદેશ રાજ્ય મંત્રી પણ છે. ગાઝિયાબાદમાં મતદાન ચાલુ છે અને કૉંગ્રેસનાં ડૉલી શર્મા અને બીએસપી-એસપી-આરએલડી ગઠબંધનના સુરેશ બંસલ જનરલ સિંહને પડકાર આપી રહ્યાં છે.
ધમપુરમાં કાશ્મીરી પંડિતો માટે ખાસ મતદાનમથક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં કાશ્મીરી પંડિતોએ મતદાન કર્યું હતું.
એક મતદારે કહ્યું, "અમે વિસ્થાપિત છીએ. મતદાન કરવું અમારી ફરજ છે. અમે બારામુલ્લા પરત ફરવા માગીએ છીએ."
ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાદળોની ભારે તહેનાતી વચ્ચે શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે. અત્યંત સંવેદનશીલ ગણાતા બાંદીપુરાની આ તસવીરો છે.
બીબીસી સંવાદદાતા રિયાઝ મસરુર હાલ હંડવારા જિલ્લામાં હાજર છે. તેમના જણાવ્યા અનુસાર ઉગ્રવાદીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવાને પગલે અહીંની શાળા અને કાર્યાલયો બંધ રખાયાં છે.
આસામમાં 9:30 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન નોંધાયું છે. આસામના તેજપુરમાં અત્યારસુધી 19 ટકા, કાલિયાબોરમાં 10 ટકા, લખીમપુરમાં 10 ટકા, દિબ્રુગઢમાં 10 ટકા, જોરહાટમાં 10 ટકા મતદાન નોંધાયું છે.
ભારતીય લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી
ભારતની ચૂંટણીઓમાં હવે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા લાગી છે. કેટલાય વિસ્તારમાં મતદાન કરનારી મહિલાઓની સંખ્યા પુરુષોને પણ આંબી ગઈ છે.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 65.3% મહિલાઓએ મતદાન કર્યું હતું, જ્યારે પુરુષોએ કરેલા મતદાનની ટકાવારી 67.71% હતી.
વર્ષ 2012થી લઈને 2018 સુધીમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી વધુ નોંધાઈ હતી.
વધી રહેલી ભાગીદારીને જોતાં કેટલાય રાજકીય પક્ષોએ મહિલાઓને આકર્ષવા કેટલીય યોજનાઓની જાહેરાત કરી છે.
આ વખતે પણ મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરી રહી છે. બીબીસીના સંવાદદાતા મયુરેશ કોન્નુરે આ ટ્વીટ કર્યું છે.