Publish Date: Sat, 28 Feb 2026 (09:41 IST)
Updated Date: Sat, 28 Feb 2026 (09:53 IST)
india first semiconductor plant
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ તેમના ગૃહ રાજ્ય ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીના નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ઇઝરાયલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે. કોવિડ-19 મહામારી બાદ ભારતમાં જ ચિપ્સનું ઉત્પાદન કરવાનું જે સ્વપ્ન વડાપ્રધાને સેવ્યું હતું, તે હવે સાણંદના આ પ્લાન્ટ સાથે સાકાર થવા જઈ રહ્યું છે.
એફિલ ટાવર કરતાં સાડા ત્રણ ગણું સ્ટીલ અને વિશાળ બાંધકામ
માઇક્રોન પ્લાન્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેના આંકડા આશ્ચર્યજનક છે. માઇક્રોનના સીઈઓ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટના ક્લીનરૂમમાં ફ્રાન્સના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ સાડા ત્રણ ગણું વધુ સ્ટીલ વાપરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ વિશાળ પ્લાન્ટના નિર્માણમાં 100 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ ભરાઈ જાય તેટલા કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓપરેશન થિયેટર કરતાં પણ વધુ સ્વચ્છ 'ક્લીનરૂમ'
સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે અત્યંત શુદ્ધ વાતાવરણ જરૂરી છે. સાણંદ પ્લાન્ટનો 5,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો ક્લીનરૂમ હોસ્પિટલના ઓપરેશન થિયેટર કરતાં પણ વધુ સ્વચ્છ છે. અહીં હવાનું પરિભ્રમણ ઉપરથી નીચે તરફ એવી રીતે થાય છે કે ધૂળનો એક નાનકડો કણ કે માનવ શરીરનો એક વાળ પણ ચિપ સુધી પહોંચી શકતો નથી, કારણ કે તે આખી ચિપને નુકસાન પહોંચાડી શકે છે.
તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર પણ મશીન અટકાવી શકે
આ પ્લાન્ટમાં ટેકનોલોજી અને પર્યાવરણનું નિયંત્રણ અત્યંત ચોકસાઈથી કરવામાં આવે છે. જો ક્લીનરૂમના તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો પણ ફેરફાર થાય, તો અત્યાધુનિક મેમરી ટેસ્ટિંગ મશીનો કામ કરવાનું બંધ કરી શકે છે. ચિપની ગુણવત્તા જાળવવા માટે અહીં તાપમાનને સતત એક સમાન સ્તરે રાખવામાં આવે છે, જેથી વર્ષો સુધી ઉત્પાદનમાં કોઈ ખામી ન સર્જાય.
અવિરત કામગીરી માટે મજબૂત બેકઅપ સિસ્ટમ
માઇક્રોનના આ ગ્લોબલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્લાન્ટમાં કોઈપણ ટેકનિકલ ખામીને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ છે. પાવર સપ્લાય, કૂલિંગ અને એર ફિલ્ટરેશન માટે મજબૂત બેકઅપ સિસ્ટમ્સ ગોઠવવામાં આવી છે. જો કોઈ એક સિસ્ટમ નિષ્ફળ જાય, તો પણ ઉત્પાદન પ્રક્રિયા અટકે નહીં તેની ખાતરી કરવામાં આવી છે, જે ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે.