Publish Date: Tue, 17 Feb 2026 (12:19 IST)
Updated Date: Tue, 17 Feb 2026 (12:32 IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે Narendra Modi 28 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સાણંદ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ચૂંટણી પૂર્વે યોજાતી આ મુલાકાતને રાજકીય રીતે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સાણંદમાં PM મોદી સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન સાથે બેઠક કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. સંગઠનાત્મક મજબૂતી, બૂથ લેવલ કામગીરી અને વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
PM મોદીની મુલાકાત પહેલાં 19 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ ગુજરાત આવશે. તેઓ કમલમ ખાતે રાજ્ય નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના અને આવનારા કાર્યક્રમો અંગે ચર્ચા થશે.
આ સાથે રાજકીય પરિવર્તન તરીકે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુ કરપડા 20 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. કમલમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિમંત્રી જીતુ વાઘાની હાજર રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ચૂંટણી પહેલા ભાજપનું ટોચનું નેતૃત્વ રાજ્યમાં સક્રિય બનતા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ રહી છે. PM મોદીની આ મુલાકાતને ચૂંટણી અભિયાન માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે
ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રોડ શો અને જાહેર સભા યોજી શકે છે. સૂત્રો અનુસાર આ રેલી રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનની સત્તાવાર શરૂઆત ગણાશે.
આ ઉપરાંત વડાપ્રધાન અમદાવાદ શહેરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. સાથે જ તેઓ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.