Publish Date: Tue, 17 Feb 2026 (07:41 IST)
Updated Date: Tue, 17 Feb 2026 (07:49 IST)
ગાંધીનગરમાં વિધાનસભા સત્રના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભાજપ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્ર દરમિયાન પક્ષની રણનીતિ અને કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ ધારાસભ્યોની હાજરી નોંધાઈ હતી.
પક્ષ દ્વારા તમામ ધારાસભ્યો માટે 'સિંગલ લાઇન વ્હિપ' જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્દેશ અનુસાર, સત્ર દરમિયાન ગૃહમાં તમામ ધારાસભ્યોએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે. ખાસ કરીને મહત્વના બિલો પર ચર્ચા અને મતદાન સમયે કોઈ પણ ધારાસભ્ય ગેરહાજર ન રહે તે માટે કડક સૂચના આપવામાં આવી છે.
ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સંભવિત આક્ષેપો અને ઘેરાવનો સામનો કરવા માટે ધારાસભ્યોને વિશેષ માર્ગદર્શન અપાયું હતું. તેમને સંયમિત રહીને તથ્યોના આધારે જવાબ આપવા અને સરકારની કામગીરીને અસરકારક રીતે રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, જેથી ગૃહનું કામકાજ સુચારૂ રીતે ચાલી શકે.
આગામી બજેટ પરની ચર્ચા અને તેને પસાર કરવાની પ્રક્રિયામાં પક્ષની એકતા જળવાઈ રહે તે પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દ્વારા ભાજપે આગામી સત્રમાં મજબૂત અને સંકલિત અભિગમ સાથે મેદાનમાં ઉતરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.