રેલવે તંત્ર દ્વારા દિલ્હી મુંબઈ વચ્ચે મેઈન લાઈનને હાઈસ્પીડ ઝોન બનાવવાનું કામ ખૂબજ ઝડપથી કરી રહ્યું છે. તેના ટ્રેકને પણ દિવાલથી સુરક્ષિત રાખવાની કામગીરી પણ તેનો જ એક ભાગ હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આશરે 1386 કિમી લાંબા રૂટમાં રતલામ રેલવે મંડલ પોતાના ભાગની એટલે કે ગોધરાથી નાગદા સુધી 230 કિમી લાંબી રેલવે લાઇનને બંને તરફથી બાઉન્ડ્રીવોલ બનાવવાનું સૌથી મોટુ અને મહત્વપૂર્ણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રી કાસ્ટ સીમેન્ટ બ્લોકની આ બાઉન્ડ્રીવોલ ની કામગીરી ગોધરાથી દાહોદ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તેની ઉંચાઇ 1.6 મીટર છે. આ સેક્શનનુ કામ પૂર્ણ થયા બાદ દાહોદ-રતલામ વચ્ચે બાઉન્ડ્રીવોલ બનાવવાનું શરૂ કરવામાં આવશે. આ કામગીરી પાછળ ઢોરો, વાહનો અને લોકો લાઇન ક્રોસ કરતા રોકવાની રેલવેની નેમ છે. આ સાથે રેલવે ટ્રેક ઉપર થતાં અકસ્માત પણ રોકાઇ જશે. બાઉન્ડ્રીવોલ હોવાથી અનિવાર્ય સંજોગો સિવાય ટ્રેનની સ્પીડમાં ઘડાટો કરવો નહીં પડે. પુરા પ્રોજેક્ટ ઉપર રેલવે દ્વારા 1118 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. રતલામ રેલવે મંડલ સાથે મુંબઇ મંડલમાં પણ કેટલાક સ્થળે બાઉન્ડ્રીવોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.