વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના જન્મદિવસે કેવડિયા ખાતે નર્મદા નીરનાં વધામણાં કર્યા. આ દરમિયાન કેવડિયા સર્કિટ હાઉસ ખાતે બંદોબસ્તમાં તહેનાત નવસારી ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરએ આત્મહત્યા કરવાનો ચોંકાવનારા મામલો સામે આવ્યા છે. PSI એન.સી. ફિણવીયાએ સર્વિસ પિસ્તોલથી કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સબ ઇન્સપેક્ટર એન.સી. ફિણવીયા જેઓ મૂળે નવસારી જિલ્લામાં નોકરી કરતા હતા તેઓ હાલમાં કેવડિયા સર્કિટ હાઉસ ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે તેમણે અન્ય પીએસઆઈ એમ. બી. કોંકણી જેઓ સર્કિટ હાઉસના મુખ્ય ગેટ પર બજાવી રહ્યા હતા તેમની પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ પિસ્તોલ માંગી હતી. ત્યારબાદ અગમ્ય કારણસર પીએસઆઈ ફિણવીયાએ કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી.
પીએસઆઈ ફિણવીયાએ જે પીએસઆઈ કોંકણી પાસેથી સર્વિસ પિસ્તોલ લીધી હતી તેઓ પણ મૂળ તો નવસારીમાં નોકરી કરી રહ્યા છે. આજે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરનાં વધામણાંનો વિશેષ કાર્યક્રમ હોઈ તેમને ખાસ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે તહેનાત કરવામાં આવ્યા હતા. જે સમયે પીએસઆઈ ફિણવીયાએ 'મારે ફોટા પાડવા છે' તેવું કહી આત્મહત્યા કરી લીધી.પીએસઆઈ ફિણવીયાની આત્મહત્યાની જાણ થતાં જ નર્મદા પોલીસ અધિક્ષક તેમજ અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઈ ફિણવીયા બે વાર સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે. નવસારી ટાઉન અને એલઆઈબીમાંથી તેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ તણાવમાં રહેતા હોવાની વિગતો બહાર આવી છે.