Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહત્વનો નિર્ણય: હવે ખેડૂતોને નમુના નં.6, 7/12, 8-અ ઓનલાઇન મળશે, જાણો કેટલો રહેશે ચાર્જ

મહત્વનો નિર્ણય: હવે ખેડૂતોને નમુના નં.6, 7/12, 8-અ ઓનલાઇન મળશે, જાણો કેટલો રહેશે ચાર્જ
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (10:09 IST)
ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગરૂપે આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ભેટ આપી છે. આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.૬, ૭/૧૨, ૮-અ હવે ઓન-લાઇન ઉપલબ્ધ થશે.રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે. 
 
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જનસુખાકારી અને નાગરિકોના જરૂરી મહેસૂલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA  (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતુ. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે. 
 
આ સેવાઓ ઓનલાઈન કરાવવા બદલ મંત્રીએ મહેસૂલ વિભાગ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને  સાયન્સ અને ટેકનોલૉજી વિભાગના અધિકારીઓ – કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૃષિકાયદા અંગે શું બોલ્યા- 3 કૃષિ કાયદા પરત ખેંચાયા