Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈઆઈટી ગાંધીનગર શ્રેષ્ઠ કૃતિઓને 1 લાખ રૂપિયાના ઇનામો આપશે

આઈઆઈટી ગાંધીનગર શ્રેષ્ઠ કૃતિઓને 1 લાખ રૂપિયાના ઇનામો આપશે
, ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (13:09 IST)
વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કેમ્પસ સમુદાય તરફથી માર્ચથી જૂન 2020 દરમિયાન ઈનોવેટીવ ‘પ્રોજેક્ટ આઇઝેક’ને મળેલા જબરજસ્ત પ્રતિસાદ પછી, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર) 29 જાન્યુઆરી, 2021 ના રોજ ‘પ્રોજેક્ટ આઇઝેક શોકેસ’માં રોગચાળા દરમિયાનની તેના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ઉજવણી કરવા અને તેમને પુરસ્કૃત કરવા જઈ રહ્યું છે. માર્ચ 2020માં ‘પ્રોજેક્ટ આઇઝેક’ ના ભાગ રૂપે શરૂ કરાયેલ પ્રોજેક્ટ આઇઝેક શોકેસ એ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે ઓળખવા માટેની એક મોટી ટેલેન્ટ હરીફાઈ છે, જેનો હેતુ કોરોનાવાઈરસને કારણે તેમના રૂમ અથવા ઘર સુધી જ સીમિત થઈ ગયેલા તેના વિદ્યાર્થીઓને સર્જનાત્મક પ્રોજેક્ટ્સમાં જોડીને લેખન, ચિત્રકામ, કોડિંગ, સંગીત અને સર્જનાત્મક અભિવ્યક્તિમાં તેમની કુશળતા કેળવવા માટેનો હતો.
 
‘પ્રોજેક્ટ આઇઝેક’ વિશે:
‘પ્રોજેક્ટ આઇઝેક’ એ રોગચાળા દરમિયાન વિદ્યાર્થીઓને ક્રિયાશીલ રાખવાના નવા રસ્તા અપનાવવા માટે દુનિયાભરની શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મોડેલ છે. આઈઆઈટી ગાંધીનગરે માર્ચ 2020 માં, કોરોનાવાયરસને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆતમાં, તેમના રૂમ અથવા ઘરમાં સીમિત થઈ ગયેલા તેના વિદ્યાર્થીઓની કુશળતા વધારવા માટે અને તેમને સર્જનાત્મક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રાખવા માટે ‘પ્રોજેક્ટ આઇઝેક’ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ સર આઇઝેક ન્યુટન દ્વારા પ્રેરિત હતો, જેમને ૩૫૦ વર્ષ પહેલા ૧૬૬૫માં લંડનના ગ્રેટ પ્લેગના કારણે, કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજ  દ્વારા તે જ રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા. આ વર્ષ દરમિયાન, કેટલીકવાર જેને “અજાયબીઓનું વર્ષ” તરીકે વર્ણવવામાં આવે છે, 22 વર્ષીય કોલેજના વિદ્યાર્થી ન્યુટને, પ્રારંભિક કેલ્ક્યુલસ તથા ઑપ્ટિક્સ અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો સહિત તેમની કેટલીક મહત્વની શોધોનો વિકાસ કર્યો હતો.
 
આઈઆઈટી ગાંધીનગર દ્વારા ‘પ્રોજેક્ટ આઇઝેક’ આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓને આશ્ચર્યજનક અને મહત્વાકાંક્ષી વસ્તુઓ પ્રાપ્ત કરવા સ્વપ્નો જોવા પ્રેરિત કરવા ડીઝાઈન કરાયો હતો. તેઓને લેખન, પેઇન્ટિંગ, કોડિંગ, સંગીત, સર્જનાત્મક અભિવ્યક્તિ વગેરેમાં નવી કુશળતા કેળવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે વધુને વધુ મહત્વના બનતા કૌશલ્યો છે. આઈઆઈટી ગાંધીનગરના લગભગ 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ નેતૃત્વ, કોડિંગ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને લેખનને લગતી અનેક આકર્ષક અને મનોરંજક સ્પર્ધાઓમાં સ્વેચ્છાએ ભાગ લીધો હતો.
 
‘પ્રોજેક્ટ આઇઝેક શોકેસ’:
કવિતાથી માંડીને ટૂંકી વાર્તાઓ, સ્કેચ અને પેઇન્ટિંગ્સથી લઈને મલ્ટિમીડિયા ઓડિઓ-વિઝ્યુઅલ્સ, આઇઆઇટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા કોન્ટેસ્ટ માટે રજૂ કરાયેલ કલાકૃતિઓ અનેક થીમ્સ અને અનુભવોને આવરી લે છે, જે તેમના કલાત્મક અને કાલ્પનિક પાસાની સાબિતી આપે છે. પ્રોજેક્ટ આઇઝેક શોકેસ 29 જાન્યુઆરી, 2021 ના રોજ વર્ચુઅલ પ્રદર્શન અને ઇનામ સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી શ્રેષ્ઠ અને સર્જનાત્મક રચનાઓની ઉજવણી અને પ્રદર્શન કરશે આ વર્ચુઅલ એક્ઝિબિશનની મનોરંજક ઇવેન્ટમાં લાઈવ મ્યુઝિકલ પર્ફોમન્સ, કાવ્ય પઠન, સ્કેચ અને પેઇન્ટિંગ્સ માટે વર્ચુઅલ ગેલેરી વૉકથ્રુ, ક્વિઝ વગેરે સાથેનું આયોજન કરાયું છે.
 
આ મલ્ટિ-ટેલેન્ટ સ્પર્ધા માટેના ઇનામોની કુલ રકમ 1 લાખ રૂપિયા છે. કવિતા, ટૂંકી વાર્તાઓ, સ્કેચ, પેઇન્ટિંગ્સ અને મલ્ટિમીડિયા ઓડિઓ-વિઝ્યુઅલ્સની પાંચ કેટેગરીમાં પ્રત્યેક પ્રથમ, બીજા અને ત્રીજા ઇનામ વિજેતાઓને અનુક્રમે રૂ. 10,000, 6,000 અને 4,000ના ઈનામ આપવામાં આવશે. આઈઆઈટી ગાંધીનગર આ સર્જનાત્મક અભિવ્યક્તિઓનાં સંકલનને ઇ-ફ્લિપબુક અને પુસ્તકો તરીકે પણ પ્રકાશિત કરી રહ્યું છે.
 
આ અગાઉ આઈઆઈટી ગાંધીનગર ‘પ્રોજેક્ટ આઇઝેક’ અંતર્ગત તેના વિદ્યાર્થીઓ માટે વિડિઓ ચેલેન્જ, 12 ડેઝ ઓફ કોડ, ક્વોરેન્ટાઇન રિવ્યુઝ, રાઈટ ફોર કોરોના, અને વિઝ્યુઅલ સ્ટોરી ચેલેન્જ સહિતની અન્ય અનેક રોમાંચક અને મનોરંજક સ્પર્ધાઓમાં લગભગ 1 લાખ રૂપિયાના ઇનામો આપી ચૂક્યુ છે. આ ઓનલાઇન સ્પર્ધાઓમાં માર્ચથી જૂન 2020 ની વચ્ચે 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, કેપીસીએસડી કોવિડ -19 સંશોધન એવોર્ડ અંતર્ગત આઈઆઈટી ગાંધીનગરના ડો કિરણ સી પટેલ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટે (કેપીસીએસડી) દરેક સંશોધન ટીમોને 2 લાખ રૂપિયાની ઇનામ રકમ સાથે ચાર સંશોધન એવોર્ડ એનાયત કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND V ENG : ઇંગ્લૅન્ડ સામેનો મુકાબલો 'વિરાટ બ્રિગેડ' માટે પ્રતિષ્ઠાનો જંગ