સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેરોસીન અને અનાજના કાળા બજાર અટકાવીને આ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ અંગે ધારાસભ્યો દ્વારા અલગ-અલગ જિલ્લાઓ અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સમગ્રતતા જોઈએ તો ૩૦ જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા માટે તારીખ:૩૧/૦૫/૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આશરે ૧૫૧૭૧ ''રેડ'' કરવામાં આવી અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા ૨૩૨ દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે ૭૫ પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ શિક્ષાત્મક કાર્યવાહી સરકાર કાળાબજાર કરનારાઓ સામે અત્યંત ગંભીર હોવાનું સૂચવે છે.
નાંદોદના ધારાસભ્ય પ્રેમજીભાઈ વસાવાએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળા બજાર સંદર્ભે કરેલી રેડ અંગે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં અન્ન નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તારીખ:૩૧.૦૫.૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં ૩૬૪ અને છોટાઉદેપુરમાં ૯૫૪ એમ મળીને કુલ ૧૩૧૮ રેડ કરવામાં આવી હતી.આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ ૨૧ પરવાના મોકૂફ કરી, બે પરવાના રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ અમરેલી અને ભાવનગર જિલ્લામાં થયેલી રેલી સંદર્ભે પૂછેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, તારીખ:૩૧.૦૫.૨૦૧૯ની સ્થિતિએ અમરેલીમાં ૧૦૮ જ્યારે ભાવનગરમાં ૬૦૮ એમ મળીને કુલ ૭૧૬ રેડ કરવામાં આવી હતી.
આ બે જિલ્લાઓમાં ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ ૧૫૭ દુકાનદારો સામે કાર્યવાહી થઇ રૂપિયા રૂ. ૯,૩૪,૦૫૧નો પુરવઠો અમરેલી-ભાવનગરમાંથી રાજ્યસાત કરવામાં આવ્યો. રૂ.૨,૦૩,૫૦૦/- પરવાના અનામત રાજ્યસાત કરવામાં આવ્યા. વળી, રૂ.૨૫,૬૮,૬૪૭/- નો દંડ કરવામાં આવવાની સાથે ૨૯ પરવાના મોકૂફ કરીને ૧૮ પરવાના રદ કરવામાં આવ્યા એટલું જ નહીં, આ બંને જિલ્લાઓમાં નવ કોર્ટ કેસ કરવામાં આવ્યા અને પાંચ વ્યક્તિ સામે પીબીએમ કેસ કરવામાં આવ્યા.
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખેડા-નવસારીમાં અનુક્રમે ૧૨૫૩ અને ૪૩૦, બનાસકાંઠા-કચ્છમાં અનુક્રમે ૧૯૭૭ અને ૩૭૩, પાટણ-મહેસાણામાં અનુક્રમે ૫૫૭ અને ૧૭૪, વડોદરા-વલસાડમાં અનુક્રમે ૭૯૨ અને ૪૨૬, ગાંધીનગર-પોરબંદરમાં અનુક્રમે ૪૯૩ અને ૨૨૮, દાહોદ-ભરૂચમાં અનુક્રમે ૭૪૪ અને ૧૦૦૯, મોરબી-રાજકોટમાં અનુક્રમે ૧૮૨ અને ૨૨૭, જૂનાગઢ-ગીર સોમનાથમાં અનુક્રમે ૩૬૪ અને ૩૪૭, જામનગર-દેવભૂમિ દ્વારકામાં અનુક્રમે ૨૪૮ અને ૧૧૦, અમદાવાદ-ડાંગમાં અનુક્રમે ૫૦૦ અને ૧૦૭, આણંદ- મહીસાગરમાં અનુક્રમે ૨૮૮ અને ૪૧૩, સુરત-તાપીમાં અનુક્રમે ૪૪૩ અને ૩૧૮ અને સાબરકાંઠા-અરવલ્લીમાં અનુક્રમે ૭૫૬ અને ૪૦૮ 'રેડ' કરવામાં આવી હતી. આ તમામ જિલ્લાઓમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે-સાથે કેટલાકની સામે પીબીએમ એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.