ઉત્તરાયણને લાગ્યું GSTનું ગ્રહણ, પતંગરસિયાઓને મોંઘવારી નડશે
, મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (12:32 IST)
વેપારીઓ વેપાર પર GSTના કારણે થયેલી અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગના વેપારીઓ પણ ચિંતામાં છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ પતંગની માંગ વધી રહી છે, પરંતુ સપ્લાયમાં થયેલા ઘટાડાને કારણે પતંગની કિંમતમાં 35 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. કાલુપુર ટાવર વિસ્તારમાં પતંગ બજારના એક ઉત્પાદક જણાવે છે કે, કાચા માલ પર અલગ અલગ જીએસટી રેટની અસર પડે છે. પેપર માટે 12 ટકા, દોરી માટે 5 ટકા અને સ્ટીક માટે 5 ટકા. આ સિવાય આખી તૈયાર થયેલી પ્રોડક્ટ એટલે કે પતંગ પર 5 ટકા જીએસટી લાગે છે. આને કારણે અમારો ઉત્પાદનનો ખર્ચ ઓછામાં ઓછો 20 ટકા વધી ગયો છે.
જેથી નાના વેપારીઓએ 40 ટકા સુધીનું પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. કારણકે આ વેપારીઓ મોટા પ્રમાણમાં રોકાણ નથી કરી શકતા. આ સિવાય પ્રોડક્શન ઘટાડવાનું અન્ય એક કારણ છે સ્ટીક્સ(કમાનઢઢ્ઢા)ની અછત, જે કોલકાતાથી મંગાવવામાં આવે છે.જથ્થાબંધ પતંગના વેપારી બ્રિજેશ દાણી જણાવે છે કે, પતંગ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લાકડીઓની પણ અછત છે.વધારે ભાવ આપવા છતાં પણ આ સ્ટીક્સ મેળવવી મુશ્કેલ છે.માર્કેટમાં સ્થિતિ એવી છે કે પ્રોડક્શન ઘણું ઓછું છે અને ડિમાન્ડ વધારે છે, આને કારણે પતંગની કિંમતમાં ઘણો વધારો જોવા મળશે. અત્યારે 100 પતંગનો જથ્થાબંધનો ભાવ 300 રુપિયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ ભાવ 30 ટકા વધારે છે. પાછલા અમુક વર્ષોથી કોર્પોરેટ ઓર્ડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પતંગ બનાવનારા લોકોને સૌથી સારી કમાણી રાજકીય પાર્ટીઓના ઓર્ડરથી થતી હોય છે, પરંતુ આ વખતે તેમના ઓર્ડર પ્રમાણે સપ્લાય ન કરી શકવાને કારણે તે ઓર્ડર સ્વીકારતા જ નથી.
આગળનો લેખ