દેશમાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનારા પરિવારને અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. પરંતુ ક્યારેય આખા સમાજને મુસીબત આવે એવો કિસ્સો પ્રથમવાર પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા બાદ આખા સમાજનો બહિષ્કાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગ્રામજનોએ એક સમાજની સામે સ્ટ્રીટ લાઈટ, દૂધ અને પાણી પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેમને ગામની બહાર કરવામાં આવ્યા હતાં. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 17 જેટલા પરિવારોને ગામમાં પરત લઈ જવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લીના ભુતાવડ ગામે થોડા સમય અગાઉ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર બાદ આખા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બંને સમાજના આગેવાનો દ્વારા યુવક અને યુવતીને છૂટાછેડા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા.
યુવક-યુવતી અલગ ન થતાં ગ્રામજનો દ્વારા એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમના ઘરની પાસે આવેલી સ્ટ્રીટ લાઈટ, દૂધ અને પાણી ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ તેમને ગામની બહાર કરી દેવાયા હતાં. આ ઘટના બાદ સમગ્ર મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા ભુતાવડ ગામજનો સામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ તકે સમાજની મહિલાઓએ રડતા રડતા પોતાની વેદના ઠાલવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા સમાજના એક યુવકે અન્ય સમાજની એક યુવતી સાથે રાજીખુશીથી કોર્ટ લગ્ન કર્યા હતા. આ અંગે અમને કંઈ ખબર નથી છતાં અમારા 17 ઘરોના લોકોને ગામમાંથી બહાર કાઢી મૂક્યા છે. અમારી કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમને ગામમાં સ્થાપિત કરો. પોલીસે કડક સુરક્ષા વચ્ચે 17 પરિવારોને ગામમાં પરત લઈ જવામાં આવ્યા હતાં.