Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

અમદાવાદી સગીર ઇન્સ્ટા વીડિયો બનાવવા રેલવે-ટ્રેક પર ગયો, મસ્તી-મસ્તીમાં જીવતો વાયર અડી જતાં કરંટ લાગતા મોત

12th Standard Student Went To The Railway Track
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (15:34 IST)
આજકાલ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનો યુવાનો અને નાના વયના બાળકોમાં ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. અમદાવાદમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર જઈ રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતો સગીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગતા સગીરનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. તેની સાથેના મિત્રએ તાત્કાલિક તેના ઘરે જઈ જાણ કરતા દાદા પણ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ ગયા હતા.અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઘનશ્યામવાડી સામે આવેલી પદ્માવતી સોસાયટી વિભાગ 2માં પ્રેમ જયકુમાર પંચાલ (ઉ.વ.15)નામનો સગીર પરિવાર સાથે રહેતો હતો.

પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો. પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું એકાઉન્ટ ધરાવતો હતો. પ્રેમને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા માટે નીકળ્યો હતો.સાબરમતી સેન્ટ્રલ જેલની સામે આવેલા રેલવે-ટ્રેક પર બંને મિત્રો ગયા હતા. પ્રેમ ત્યાં પાટા પરથી માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવવા ગયો ત્યારે તેને વાયરનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ નીચે પટકાયો હતો અને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેની સાથે ગયેલો મિત્ર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પ્રેમના ઘરે દોડ્યો હતો. તેના દાદાને જઈ પ્રેમને કરન્ટ લાગ્યો હોવાનું કહ્યું હતું, જેથી તેના દાદા ત્યાં પહોંચ્યા હતા. પ્રેમને સારવાર માટે સોલા સિવિલ લઇ ગયા હતા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.મૃતક પ્રેમ પંચાલે અગાઉ પણ અનેક વીડિયો બનાવ્યા છે.

બે દિવસ પહેલાં જ તેણે જગતપુર કે રાણીપ આસપાસમાં રેલવે-ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો. રેલવે-ટ્રેક પર ચાલતો વીડિયો બનાવી તેણે અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયામાં અનેક યુવક યુવતીઓ કેનાલ, નદી, રેલવે-ટ્રેક તેમજ અલગ અલગ જગ્યા પર વીડિયો બનાવતાં હોય છે. પોતાની જિંદગી જોખમમાં મૂકીને વિડિયો બનાવે છે. ત્યારે માતા-પિતાએ ચેતવાની જરૂર છે. માતા-પિતાએ પોતાનાં દીકરા-દીકરી ક્યાં જાય છે, એ ઉપરાંત તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસતા રહેવું જોઈએ. શું તેઓ આવા ભયજનક વીડિયો બનાવે છે કે કેમ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.જો તમારાં દીકરા દીકરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનો શોખ હોય અને જિંદગીને જોખમમાં મૂકતા એવા રિલ્સ બનાવતા હોય તો ચેતજો, કારણ કે તેમનો રીલ્સ બનાવવાનો શોખ તેમને ભારે પડી શકે છે અને પોતાની જિંદગી ગુમાવી શકે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત: કોફી શોપમાં યુવતીનું શંકાસ્પદ મોત