વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આસામના કેસમાં જેલમાંથી જામીન મેળવી દિલ્હીથી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. દલિત સમાજના આગેવાનો તેમજ સમર્થકોએ જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા સારંગપુર ખાતે જઈ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ વાડજના રામાપીરના ટેકરા ખાતે "સત્યમેવ જયતે જનસભા"માં મંચ પરથી મેં ઝુકેગા નહિ કહ્યું હતું. ત્યારબાદ ઉનાના કેસો અને પોલીસ પે ગ્રેડ મુદ્દે 1 જૂને ગુજરાત બંધની ચીમકી આપી હતી.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સભામાં હાજર તમામ લોકોને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિજ્ઞા લેવડાવી હતી કે, ભાજપની સરકારને ક્યારેય વોટ નહિ આપીએ કે RSSની શાખામાં પગ મુકીશું નહિ. જિગ્નેશ મેવાણીએ કહ્યું - રાહુલ ગાંધી અડધી રાતે મારા માટે જાગ્યા. કોંગ્રેસના નેતાઓને કહ્યું કે જીજ્ઞેશ જેલમાંથી બહાર ન આવે ત્યાં સુધી સાથે રહે. તમામ દિલ્લીના કોંગ્રેસના નેતાઓ અને પાર્ટીનો આભાર માને છે તેમ ઉમેર્યું હતું.
એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે રોડ પર ઉતરી મને સમર્થન આપ્યું એનાથી મારો હોંસલો વધ્યો છે. 15 દિવસમાં પેપરકાંડ સહિતના મુદ્દોઓ પર કામ નહિ થાય તો આંદોલન કરીશું. 1 જૂને અમે ગુજરાત બંધ આપીશું.