નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત તેમનાં સગાસંબંધી મળી કુલ પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પુરપાટ ઝડપે દોડતા કન્ટેનર સાથે સીએનજી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એવો વિચિત્ર હતો કે, અકસ્માતને લીધે કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોને બહાર કાઢ્યા હતા ત્યારે આજે સમરોલી ગામે એકસાથે ચાર મૃતકની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ હીબકે ચડ્યું હતું.
લગ્નની ખરીદીનો ઉત્સાહ માતમમાં ફેરવાયો
નવસારીના કસ્બા ધોળાપીપળા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરઝડપે આવી રહેલું કન્ટેનર ઈકો કાર પર પડતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોનાં ઘટનાસ્થળે જ દબાઈ જવાથી કરુણ મોત થયાં છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. એ બાદ પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં જે કન્યાના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનાં મોત થયાં હતાં.
ગેસકટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા
આ અકસ્માતના પગલે નવસારી જિલ્લા કલેકટર, એસપી અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે એમાં ફસાયેલા મૃતદેહને કાઢવા માટે કલાકોની જહેમત કરવી પડી હતી અને ફાયર વિભાગની ટીમે ગેસકટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકોનાં નામ - રોનક કાંતિ પટેલ (ઉં. 22 વર્ષ), મનીષા ઉર્ફે મંશાબેન મુકેશ પટેલ (ઉં. 42 વર્ષ), પ્રફુલ લાલુભાઈ પટેલ (કારચાલક) (ઉં. 50 વર્ષ),
મીનાક્ષી પ્રફુલ પટેલ (ઉં. 42 વર્ષ), શિવ ઉર્ફે રિદ્ધિશ પ્રફુલભાઈ પટેલ (ઉં.18 વર્ષ), બચી જનાર - દીપ કાંતિ પટેલ (ઉં. 20 વર્ષ)