Dhirendra Shastri in Rajkot
આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત બાદ રાજકોટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાયું શુકન તરીકે સવા ફૂટની ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટમાં આપવામાં આવનાર છે. રાજકોટના આયોજક હિરેનભાઈ હિરપરા અને વિજય વાંક દ્વારા ખાસ આ ચાંદીની ગદા તૈયાર કરી રાજકોટના સૌ આયોજક વતી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આ ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવનાર છે.
રાજકોટ બાગેશ્વર ધામ સમિતિના આયોજક વિજય વાંક અને હિરેન હિરપરા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ રૂપે ચાંદીની ગદા આપવામાં આવનાર છે. આજે વિજય વાંકે જણાવ્યું હતું કે, અમારા સાથી હિરેનભાઈ હિરપરા કે જેઓ વ્યવસાયે સોના ચાંદીના વેપારી છે તેઓએ મને આવીને તેમનો વિચાર રજુ કર્યો હતો તેમને કહ્યું કે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા આપવાનો વિચાર આવ્યો છે અને તુરંત તેમનો વિચાર સ્વીકાર કરી કહ્યું કે તમે બનાવી દો અડધો ખર્ચ હું પણ આપીશ.વધુમાં તેમને જણાવ્યું હતું કે, આજે આ સંપૂર્ણ ચાંદીની ગદા તૈયાર થઈને આવી ગઈ છે. એવું કહેવાય છે કે કોઈ પણ કાર્યમાં સવા શુકન માનવામાં આવે છે માટે અમે સવા ફૂટની ચાંદીની ગદા તૈયાર કરાવી છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવશે ત્યારે અમારી સમગ્ર આયોજન સમિતિ દ્વારા આ ગદા ભેટ રૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તારીખ 1 અને 2 જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાવવાનો છે જેને લઇ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.