Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ
, શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:14 IST)
સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશો કર્યા છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે. આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો –ડ્રેનેજ જામ થઇ જાય છે.
 
તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે. ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે.
 
આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણતંત્ર દિવસ- સામે આવી ચયનિત ઝાંકિઓની લિસ્ટ, આ વર્ષે રાજપથ પર નથી જોવાશે આ રાજ્ય