Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપ સરકારની પોલંપોલ પરથી કેગે પડદો ઊંચક્યો, ઘર ઘરમાં શૌચાલય હોવાનો ગુજરાત સરકારનો દાવો પોકળ

ભાજપ સરકારની પોલંપોલ પરથી કેગે પડદો ઊંચક્યો, ઘર ઘરમાં શૌચાલય હોવાનો ગુજરાત સરકારનો દાવો પોકળ
, શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:19 IST)
ગુજરાતના ઘરેઘર શૌચાલય હોવાનો અને કોઈપણ વ્યક્તિ શૌચક્રિયા માટે બહાર ન જતો હોવાના રાજ્યની ભાજપ સરકારના દાવાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે તેના છેલ્લા અહેવાલમાં છેદ ઉડાડી દીધો છે. ગુજરાતના આઠ જિલ્લાના અંદાજે ૩૦ ટકા ઘરમાં શૌચાલય જ ન હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું હોવાનું કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાતના ૫૪૦૦૮ ઘરની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૧૬૫૩૭ ઘરમા રહેનારાઓ પાસે વ્યક્તિગત કે જાહેર શૌચાલયની સુવિધા જ ન હોવાનું બહાર આવ્યું હતું. આ ટકાવારી ૨૯.૧૨ ટકા થાય છે.
બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના આઠ જિલ્લામા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૩૦ ટકા ઘરમાં શૌચાલય ન હોવાનું બહાર આવ્યું હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશના ૧૧ રાજ્યમાં તમામ ઘરમાં શૌચાલય હોવાની જાહેરાત કરી હતી. આ ૧૧ રાજ્યમાં તેમણે ગુજરાતનો પણ સમાવેશ કર્યો હતો.
બીજી તરફ ગુજરાત સરકારે પણ ૨, ઓક્ટોબર ૨૦૧૭ના દિને જાહેરાત કરી હતી કે ગુજરાતમાં હવે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં શૌચક્રિયા કરવા માટે જતી નથી. જોકે ગુજરાતના આઠ જિલ્લાની ૧૨૦ ગ્રામ પંચાયતોના ઘરોની કરવામાં આવેલી ચકાસણીમાં જાણવા મળ્યું હતું ક અંદાજે ૨૯થી ૩૦ ટકા લોકો પાસે શૌચક્રિયા કરવા માટેની કોઈ જ પાકી વ્યવસ્થા નથી.
તેમની પાસે વ્યક્તિગત કે પછી જાહેર શૌચાલયની કોઈ જ સુવિધા નથી. આમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રહેતા લોકો વ્યક્તિગત કે પછી જાહેર શૌચાલયનો જ ઉપયોગ કરે છ તેેવો ગુજરાત સરકારનો દાવો સાવ જ પોકળ છે. માર્ચ ૨૦૧૮માં પણ રાજ્ય સરકાર સમક્ષ આ મુદ્દે સવાલ ઊઠાવવામાં આવ્યો હતો ત્યારે પણ રાજ્ય સરકારે ગુજરાતના તમામ ઘર વ્યક્તિગત કે જાહેર શૌચાલયની સુવિધા ધરાવતા હોવાનો દાવો કર્યો હતો.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘણાં ગામમાં શૌચાલય બાંધવામાં આવ્યા હતા. જે ૧૨૦ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી ૪૧ વિસ્તારોમાં શૌચાલય હતા, પરંતુ તેમાં પાણીની કોઈ જ સુવિધા ન હોવાથી તેનો ઉપયોગ જ કરવામાં આવતો નહોતો. તેમ જ ઘણાં શૌચાલય પૂરા બંધાયેલા પણ નહોતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૭,૪૦૦ શૌચાલય ઉપયોગ કરી ન શકાય તેવી જ સ્થિતિમાં હોવાનું બહાર આવ્યું હતું. તેમાંથી કેટલાક શૌચાલયને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે માટે તેમાં સુધારાઓ કરવામાં આવ્યા હોવાનો દાવો આસિસ્ટન્ટ કમિશનરે કેગને આપેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગતિશીલ ગુજરાતની વિધાનસભામાં 'ગરીબ મેળો' યોજાયો, ડીગ્રીવાળા 'પકોડા' તળે અને અભણોને 1.16 લાખનો પગાર