ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે તેવી રાજય સરકારની બહુ ગાજેલી અને પ્રચાર કરાય છે તેવી મુખ્યમંત્રી અમૃતમ મા યોજનામાં અઢળક છિંડા હોવાનો કેગના અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે. સામાન્ય અને સામાજિક ક્ષેત્રના અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, માત્ર ૫૪.૫૪ ટકા બીપીએલ પરિવારોને જ છેલ્લા પાંચ વર્ષમાં માર્ચ-૨૦૧૭ સુધી નોંધી શકાયા છે. રાજયના ૩૩ જિલ્લામાંથી ૧૦ જિલ્લામાં તો નક્કી કરેલી હોસ્પિટલ જ નથી. સરકારી હોસ્પિટલો જેની પાછળ ભાજપ સરકાર અબજો રૂપિયા ખર્ચતી હોવાનો દાવો કરે છે તેમાં માળખાગત સુવિધાઓ જ નથી. જેના કારણે ૭૮ ટકા લાભાર્થીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા અપાતી હોવાનો દાવો કરે છે. પરંતુ કેગના ઓડિટ મુજબ ૨૦૧૨થી ૨૦૧૭ના વર્ષ સુધી મા યોજનાના લાભાર્થીઓને સારવાર માટે સરકારે કુલ ૫૫૭.૭૦ કરોડ રૂપિયાની રકમ આપી તેમાંથી ૪૩૩.૩૯ કરોડ રૂપિયા તો ખાનગી હોસ્પિટલને ફાળે ગયા હતા. સરકારી હોસ્પિટલ દ્વારા કરાયેલા દાવા ફક્ત ૧૨૪.૩૧ કરોડ રૂપિયાના જ હતા. ૩૩ જિલ્લામાંથી ૨૩ જિલ્લામાં જ હોસ્પિટલ નક્કી કરાઇ છે બાકી રહેતા ૧૦ જિલ્લામાં ૯.૫૨ લાખ પરિવારો જેઓ કુલ નોંધણીના ૨૦ ટકા થવા જાય છે તેમને મા યોજના હેઠળ જોડાણ કરાયેલી હોસ્પિટલોની સુવિધા અપાઇ નથી. જે ૨૩ જિલ્લામાં હોસ્પિટલ નક્કી છે તેમાં પણ સાત જિલ્લામાં ફક્ત એક જ નક્કી કરેલી હોસ્પિટલ છે. જેના કારણે આ જિલ્લાના લાભાર્થીઓને સારવાર હેઠળ અન્ય જિલ્લામાં જવાની ફરજ પડી હતી.
ફક્ત ચાર જ જિલ્લા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા તમામ માપદંડ મુજબની હોસ્પિટલ હોવાથી મોટાભાગના લોકોને આ જિલ્લામાં જ સારવાર લેવા માટે જવું પડ્યું હતું. જેમાં અમદાવાદમાં ૭૪ ટકા, રાજકોટમાં ૫૯ ટકા, સુરતમાં ૪૪ ટકા અને વડોદરામાં ૬૨ ટકા હતી. કેન્સર અને કાર્ડિયાક સારવાર લેવા માટે પણ અમદાવાદ અને રાજકોટની મોટી હોસ્પિટલોમાં કિલોમીટર દૂર સુધી પ્રવાસ કરીને દર્દીઓને જવું પડયું હતું. જે દર્શાવે છે કે બાકીના જિલ્લાઓમાં એટલે કે મોટાભાગના રાજયમાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્યની-સારવાર આપવાની ક્ષમતા કેટલી કંગાળ છે.