ભાજપના નેતાને 1 વર્ષની જેલ, 25 લાખ રૂપિયાનો દંડ
, બુધવાર, 6 એપ્રિલ 2022 (10:47 IST)
વડોદરામાં ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલને 25 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે 1 વર્ષની સજા ફટકારી
વડોદરામાં માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને કોર્ટે સજા ફટકારી છે. 25 લાખ રૂપિયાના ચેક રિટર્નના કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજા અને 60 દિવસમાં રકમ ચૂકવી આપવા આદેશ કર્યો છે.શહેરના માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલ ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા ઉપેન્દ્ર શાહ પાસેથી વર્ષ 2016માં એક કન્ટ્રક્શન સાઇટ ચાલુ કરવા રૂપિયાની જરૂર હોવાથી રૂપિયા 25 લાખ લીધા હતા. પ્રોજેક્ટ પૂરો થતા ઉપેન્દ્ર શાહે રૂપિયા પરત માંગતા ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે રૂપિયા પરત કર્યા ન હતા. તેમજ કલ્પેશ પટેલે 25 લાખનો ચેક ઉપેન્દ્ર શાહને આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન (બાઉન્સ) થયો હતો. જેથી ઉપેન્દ્ર શાહે કલ્પેશ પટેલ સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી.આ મામલે આજે કોર્ટે ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને ગુનેગાર ઠેરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની 25 લાખની રકમ 60 દિવસમાં ઉપેન્દ્ર શાહને ચૂકવી દેવા આદેશ કર્યો છે.કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સામે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ઉપેન્દ્રભાઇના સગા મારફતે આરોપી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ નટવરલાલ શાહ મારફતે આરોપીએ રૂા.25 લાખની માગણી કરી હતી અને પ્રોજેક્ટ પૂરો થતાં નાણાં પરત કરવાની અને પ્રોજેક્ટમાં જે નફો થાય તેમાંથી નફો આપવાની પણ ખાતરી આપી હતી.કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનો વિવાદ સાથે જુનો નાતો છે. અગાઉ તેણે વરઘોડામાં ફાયરિંગ કરતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.તો વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી સમયે ડભોઇ પાસેના ફાર્મ હાઉસમાં દારૂ ઝડપાયો હતો. ઉપરાંત ગોત્રી વાસણાની જમીન વિવાદમાં તેનું નામ ચમક્યું હતું તો અધિકારીઓ કામ નથી કરતાં તેવો આક્ષેપ કરી વોર્ડ ઓફિસમાં લેંઘો ઉતારી નાખતા વિવાદ થયો હતો.
આગળનો લેખ