અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક શ્રદ્ધાળુંનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ગુફાથી 10 કિ.મી. દૂર નિધન થયું હતું. શહેરના ચાર યુવકો અમરનાથ દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન હાર્દિક રામી નામના યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને તેને શ્વાસની તકલીફ ઉભી થતાં તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના પાર્થિવદેહને શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લવાયો હતો અને વતનમાં તેની અંતિમ વિધિ કરતા આખું ગામ હિબકે ચડ્યું હતું.જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે 'બરફીલા બાબા'નાં દર્શનાર્થે તા. 15મી જૂલાઇએ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિએ પ્રસ્થાન કર્યુ હતું અને મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાનાં માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબીયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું.આ સમગ્ર ઘટના ક્રમ અંગે પાટણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ હેમંતભાઇ તન્નાએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ બનાવ બન્યો ત્યારે તેનાં અન્ય મિત્રો તેમાંથી થોડા આગળ ચાલતા જતા હતા. તેઓને જાણ થતાં ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા અને મને બનાવની જાણ કરી હતી.
આથી પાટણથી અન્ય કેટલાક લોકો તુરત જ દિલ્હી થઇને અમરનાથ જવા નિકળ્યા હતા, પરંતુ તેઓને દિલ્હીમાં જ રોકાઇ જવા જણાવ્યું હતું.આ દરમિયાન હાર્દિકનાં પાર્થિવ દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજો પોલીસે લીધો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યારબાદ તેની બોડી સુપ્રત કરી હતી. હાર્દિકનાં પાર્થિવ દેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેનાં મિત્રોને સરળતા રહે તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાટણથી ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, આર.સી. પટેલ, હેમંતભાઇ તન્ના, ઉદય પટેલ વિગેરેએ સી.એમ. હાઉસમાં સંપર્ક કરતાં ગુજરાત સરકારનાં પ્રયાસોથી હાર્દિકનાં પાર્થિવ દેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી.હાર્દિકનાં ત્રણે મિત્રોની વિમાન ટિકીટની વ્યવસ્થા તથા પાર્થિવ દેહને અમદાવાદ લાવવાની સમગ્ર વ્યવસ્થા ગુજરાત સરકારે જ કરી આપી હતી. સાંજે શ્રીનગરમાં વાતાવરણ ખરાબ હોવાથી આ ફ્લાઇટ હવે રાત્રે નવ વાગે પ્રસ્થાન થયું હોવાનું જાણવા મળ્યું હતું અને આજે અમદાવાદ લવાયો હતો. ત્યારબાદ પાટણ લઇ જવાયો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દુઃખદ ઘટનાથી તેનાં પરિવાર અને મિત્રમંડળમાં ભારે શોક પ્રસરી ગયો હતો. આ બનાવ અંગે હાર્દિકનાં પિતાને પણ મોડેથી જાણ કરાતાં તેઓ યુવાન પુત્રનાં મૃત્યુથી ભારે શોકમગ્ન બની ગયા હતા. મૃતક હાર્દિક રામી તેની પાછળ પત્ની અને એક બાળક અને પરિવારને રડતો છોડીને ગયા છે.ૉ