Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં રિક્ષા કે કેબમાં નામ-મોબાઇલ નંબર નહીં લખનાર 290 વાહનચાલકો દંડાયા

અમદાવાદમાં રિક્ષા કે કેબમાં નામ-મોબાઇલ નંબર નહીં લખનાર 290 વાહનચાલકો દંડાયા
, શુક્રવાર, 24 નવેમ્બર 2023 (14:31 IST)
અમદાવાદ પોલીસ કમિશ્નરે બે મહિના પહેલાં, એટલે કે સપ્ટેમ્બરના અંતમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં રિક્ષા કે કેબ ચલાવતા વાહન ચાલકે તેનું નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો વાહન પર લખવી ફરજિયાત કરવામાં આવી હતી.

શહેરમાં આ જાહેરનામાનું મોટાભાગના વાહનચાલકોએ પાલન નહીં કરતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં માહિતી નહીં લખનાર 290 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટી લેવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. તે ઉપરાંત જીવલેણ હૂમલાઓના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા પ્રમાણે અમદાવાદમાં રિક્ષા કે કેબ ચલાવતા વાહનચાલકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર સહિતની માહિતી વાહનમાં લખવાની હતી. જેથી મુસાફરી કરી રહેલા મુસાફરને વાહન ચાલકની વિગતો અંગે ખ્યાલ રહી શકે. પરંતુ આ જાહેરનામાને વાહન ચાલકો ઘોળીને પી ગયા હોય એમ તેનું પાલન કરવામાં આવ્યું નહોતું. જેથી આવા વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે દિવસ કાર્યવાહી કરીને 290 વાહન ચાલકો સામે ગુનો નોંધીને તેમના વાહનો જપ્ત કર્યા હતાં.પોલીસ કમિશ્નર દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે,રીક્ષા આ કે કેબમાં પેસેન્જર જોઈ શકે તે રીતે વાહનચાલકનું નામ, મોબાઇલ નંબર, તમામ હેલ્પલાઇન નંબર લખવા ફરજિયાત છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ શહેરમાં વાહનચાલકો સરેઆમ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરતાં હોવાથી પોલીસ કાર્યવાહી માટે સક્રિય થઈ ગઈ હતી. આ અંગે ટ્રાફિક વિભાગના જેસીપી એન એન ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોલીસે નાગરિકોની સુરક્ષા માટે આ નિયમ લાગુ કરાવ્યો છે. જેથી તેનો કડક અમલ કરાવવા માટે આગામી દિવસોમાં પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રાઇવ શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું