પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભાજપ દ્વારા મોદીના આ પ્રવાસનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ પહોંચી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 કિમી લાંબા રોડ-શોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મોદી સુરત વિમાની મથકથી બહાર નિકળ્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીની ઝલક મેળવવા માટે લોકોમાં પડા પડી થઇ ગઇ હતી. લોકોએ મોબાઈલમાં મોદીની એક ઝલકને કેદ કરી હતી. મોદીના ભવ્ય રોડ શોમાં બાઇકિંગ ક્વિન્સની મહિલાઓ જોડાઈ હતી. રોડની બંને બાજુએ લોકો ઉમટી પડ્ય હતા. પ્રાપ્ત માહિતી મુજબ સાંજે મોદી સુરત પહોંચતાની સાથે જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
રોડ શો કરીને મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. રાત્રિ ગાળામાં પણ ત્યાંજ રોકાણ કરી રહ્યા છે. આવતીકાલે સોમવારના દિવસે મોદી ૪૦૦ કરોડના ખર્ચે બનેલી કિરણ મલ્ટીસુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. મોદી ત્યારબાદ જિલ્લામાં ઈછાપુર ગામમાં હીરાબોર્સ સેઝનું પણ ઉદ્ઘાટન કરશે. ડાયમંડ પોલિસી યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હરિકૃષ્ણ એક્ષોપર્ટ પ્રાઈવેટ લિમિટેડના ડાયમંડ પોલિસી યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ત્યાંથી મોદી તાપી જિલ્લાના બીજાપુર ગામમાં જશે જ્યાં કેટલ ફિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને સાથે સાથે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આને સુમુલ ડેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોદી ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જશે જ્યાં તેઓ સિલવાસાની મુલાકાત લેશે. અહીં તેઓ નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધશે. કેન્દ્રની જુદી જુદી સ્કીમોના ૨૧ હજારથી વધુ લાભ મેળવનાર લોકોને જુદી જુદી કિટ આપવામાં આવશે. ત્યારબાદ મોદી સૌની પ્રોજેક્ટના તબક્કા-૧નું ઉદ્ઘાટન કરવા સૌરાષ્ટ્રના બોટાદ ખાતે જશે. ત્યારબાદ તેઓ પ્રોજેક્ટના તબક્કા-૨ માટે આધારશિલા મુકશે. ગયા વર્ષે મોદીએ મહત્વકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ પ્રોજેક્ટની જામનગરથી પ્રથમ તબક્કાની શરૂઆત કરાવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર જુદા જુદા કાર્યક્રમોને આગળ વધારવા ઈચ્છુક છે. આ પ્રોજેક્ટ ચાર તબક્કામાં વિભાજીત છે. ગુજરાત સરકાર પ્રોજેક્ટ હેઠળ સૌરાષ્ટ્ર પ્રદેશના ૧૧૫ બંધને ભરનાર છે