ઇડલી માટેની સામગ્રી - સોજી - 300 ગ્રામ, દહીં - 300 ગ્રામ, પાણી 50 ગ્રામ કરતા થોડું ઓછું, મીઠું - સ્વાદ અનુસાર, ઈનો સૉલ્ટ - 1 નાની ચમચી, તેલ - 2 મોટી ચમચી, રાઈ - એક નાની ચમચી, મીઠો લીમડો - 7-8 પાન અદડની દાળ- 1 નાની ચમચી, લીલા મરચાં - 1 (બારીક કાપેલું)
સ્ટફ્ડ ઇડલીના સ્ટફિંગ માટે - બાફેલા બટાકા - 3 મીડિયમ આકારમાં કાપેલા, પાલક - એક કપ(બારીક કાપેલી)
લીલું મરચું - 1 (ઝીણું સમારેલું), આદુંની પેસ્ટ - 1 નાની ચમચી, મીઠું - અડધી ચમચી, તેલ - 2 નાની ચમચી
બનાવવાની રીત - સૌ પ્રથમ દહીં ફેંટી લો. એક વાસણમાં સોજી ચાળી તેમાં દહીં નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પાણી અને મીઠું નાંખી ફેંટી લો.
એક નાની કઢાઈમાં 2 નાની ચમચી તેલ નાંખી ગરમ કરો. રાઈ નાંખો અને રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન, અડદ દાળ બધું સાંતળો. દાળ સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે લીલું મરચું નાંખો અને બાકીનો બધો મસાલો મિક્સ કરી દો. મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજીના દાણે-દાણા ફૂલી જાય.
બીજી તરફ બટાકાને છોલી બારીક કાપી લો. કઢાઈમાં નાંખી લીલું મરચું અને આદું નાંખો, પાલક નાંખી નરમ થાય ત્યાંસુધી રાંધો. હવે બટાકા અને મીઠું નાંખો અને સારી રીતે મિક્સ કરો. ઇડલીમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે.
હવે કૂકરમાં 2 નાના ગ્લાસ પાણી નાંખી ગેસની આંચ પર મૂકી દો અને પાણીને ગરમ થવા દો.
તૈયાર કરેલા મિશ્રણમાં ઈનો સૉલ્ટ નાંખી ચમચાથી સારી રીતે હલાવો. મિશ્રણ જેવું ફૂલવા લાગે એટલે તેને હલાવાનું બંધ કરો.
ઇડલીના સ્ટેન્ડને થોડું તેલ લગાવી ચીકણું કરો. મિશ્રણને ચમચાની મદદથી સ્ટેન્ડના દરેક ખાનામાં અડધા અડધા ખાના સુધી ભરી દો. તૈયાર કરેલા સ્ટફમાંથી થોડો થોડો સ્ટફ લો અને મિશ્રણની ઉપર દરેક ખાનામાં ભરો. હવે ફરીથી તેની ઉપર સ્ટફ ઢંકાય તે રીતે ઇડલીનું મિશ્રણ નાંખો.
ઇડલીનું મિશ્રણ ભરેલા આ સ્ટેન્ડને પાણી નાંખેલા કૂકરમાં બાફવા મૂકો. દરમિયાન કૂકર બંધ રાખો. 10 મિનિટ સુધી રંધાવા દો પછી ચકાસી લો કે ઇડલી બફાઇ ગઇ છે કે નહીં. જો ઇડલીનું મિશ્રણ ચપ્પુમાં ચોંટે નહીં તો તમારી ઇડલી તૈયાર છે.
તો તૈયાર છે તમારી ગરમા-ગરમ સ્ટફ્ડ ઇડલી. સંભાર, નારિયેળની ચટણી, ચણાની દાળની ચટણી કે મગફળીની ચટણી સાથે પીરસો.