રાજ્ય ઉર્જાવિભાગમાં સરકાર હસ્તકની વીજકંપનીઓએ જાણે લાખના બાર હજાર કર્યાં છે. મંત્રી સૌરભ પટેલના ઉર્જા વિભાગમાં એવો વાયબ્રન્ટ વહીવટ ચાલી રહ્યો છેકે, રાજ્ય સરકારની વિજ કંપનીઓનુ વિજ ઉત્પાદન દિવસે ને દિવસે ઘટી રહ્યુ છે જયારે ખાનગી વિજ કંપનીઓનું વિજ ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે.વિજ કંપનીઓની પ્રોત્સાહન આપી કમાણી કરાવી આપવાની ઉર્જા વિભાગની નીતિ હવે ખુલ્લી પડ રહી છે. એક રિપોર્ટ અનુસાર,વર્ષ ૨૦૦૯-૧૦માં GSECLનું વિજ ઉત્પાદન ૨૮,૫૦૭ મિલિયન યુનિટ હતુ જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને હવે ૧૬૨૫૪ મિલિયન યુનિટ થયુ છે. બીજી તરફ, ખાનગી વિજ કંપનીઓનું વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૮૦૪૨ મિલિયન યુનિટ વિજ ઉત્પાદન હતુ તે વધીને હવે ૬૦૫૩૦ મિલિયન યુનિટ થયુ છે. આ તરફ,કેન્દ્રનો હિસ્સો પણ ૧૩૩૩૪ મિલિયન યુનિટ હતો તે પણ વધીને ૨૭૫૦૦ મિલિયન યુનિટ થયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં રાજ્યનુ કુલ વિજ ઉત્પાદન ૬૯૮૮૩ મિલિયન યુનિટ હતુ જેમાં ૪૦.૪૯ ટકા રાજ્ય સરકાર હસ્તકની વિજ કંપનીઓમાં વિજ ઉત્પાદિત થયુ હતુ. વર્ષ ૨૦૧૬-૧૭માં રાજ્યનુ કુલ વિજ ઉત્પાદન ૧૦૪૨૮૪ મિલિયન યુનિટ થયુ હતુ જે પૈકી ૫૮.૦૪ ટકા વિજ ઉત્પાદન ખાનગી વિજ કંપનીઓમાં થયુ છે જયારે ૧૫.૫૯ ટકા વિજ ઉત્પાદન સરકાહ હસ્તકની વિજ કંપનીઓમાં થયુ છે. ૨૬.૩૭ ટકા વિજ ઉત્પાદનનો હિસ્સો કેન્દ્રીય ક્ષેત્રનો રહ્યો છે. આમ,ખાનગી વિજ કંપનીઓ ઉત્પાદન વધારી રહી છે પણ રાજ્ય સરકાર હસ્તકની વિજ કંપનીઓમાં વિજ ઉત્પાદન ઘટી રહ્યુ છે છતાંય સરકાર ઉર્જા વિકાસના ગાણાં ગાઇ રહી છે. સરકારી વિજ કંપનીઓમાં ઉત્પાદન ઘટે તો જ ખાનગી કંપનીઓ પાસેથી વિજળી વેચાતી લઇ શકાય તેવી સરકારની ગણતરી છે.જો આ જ સ્થિતી રહી તો,સરકાર હસ્તકની વિજકંપનીઓને ખંભાતી તાળા વાગશે જયારે ખાનગી વિજ કંપનીઓને સરકારને મોંઘી વિજળી વેચીને બખ્ખાં કરશે.