સરકારે 2005થી પેન્શન યોજના બંધ કરી હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં પેન્શન બિલમાં 102 ટકાનો વિક્રમી વધારો થયો છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ સરકારી ખાતાઓમાં કર્મચારીઓની સંખ્યા 185575 છે. સરકારી સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યા 277370 છે. આમ કુલ 462945 કર્મચારીઓની સંખ્યા છે જેમને આગામી વર્ષે 29759 કરોડનો પગાર ચૂકવશે.
બીજી તરફ પેન્શનરો પણ વધતાં જાય છે. સરકારી ખાતાઓમાં પેન્શનરોની સંખ્યા 450509 છે જેમને 14990 કરોડનું પેન્શન ચૂકવવામાં આવશે. વાર્ષિક માથાદીઠ પેન્શન અને અન્ય લાભોનું ખર્ચ 3.33 લાખ થવા જાય છે. આગામી વર્ષ માટે સરકાર વયનિવૃત્તિ અને ભથ્થાં પાછળ 5732 કરોડનો ખર્ચ કરશે. પેન્શનની રૂપાંતરિત કિંમત 1750 કરોડ થાય છે. ગ્રેજ્યુઇટી પાછળ સરકાર 1887 કરોડ અને કુટુંબ પેન્શન પાછળ 1250 કરોડનો ખર્ચ કરશે.
એ ઉપરાંત હાઇકોર્ટ ન્યાયાધીશોને પેન્શન ખર્ચ પેટે 8 કરોડ, ભવિષ્ય નિધિમાં ફાળો 0.10 કરોડ, નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજનામાં 705 કરોડ તેમજ નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજના માટેના વહીવટી ખર્ચ પેટે 3.20 કરોડ ખર્ચ કરશે. આ તમામ હેડમાં આગામી વર્ષે સરકારના 11327.30 કરોડ ખર્ચાશે. જો કે આ ખર્ચ 2014-15માં 5601.98 કરોડનો હતો તે સીધો વધીને 2017-18માં 10311.20 કરોડ થયો છે. ચાર વર્ષમાં કુલ 102.20 ટકાનો વધારો દર્શાવે છે.