અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારના બિલ્ડર ઉસમાન ઘાંચીએ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર કોઈ વ્યક્તિએ જમાલપુર-ખાડિયા વિસ્તારની ભાજપની ટિકિટ અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી 20 લાખ રુપિયા પડાવી લીધા છે. રવિવારના રોજ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.ઉસમાન ઘાંસી પાછલા 10 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડિયા વિસ્તારની ટિકિટ મેળવવાની ઈચ્છા ધરાવતા હતા.
શનિવારના રોજ ફાઈલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, રાહુલ ધ્યાની નામના એક શખ્સે તેમને ફોન કર્યો હતો અને તેમના માટે ભાજપની ટિકિટની વ્યવસ્થા કરવાની લાલચ આપી હતી. તે શખ્સે પોતાને અમિત શાહ અને અન્ય મોટા નેતાઓનો ખાસ માણસ ગણાવ્યો હતો.આ વ્યક્તિએ ઉસમાન ઘાંચીને પોતાના નેતાઓ સાથેના ફોટો પણ બતાવ્યા હતા. તેણે ઘાંચીને કહ્યું કે પાર્ટી આ વિસ્તારમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાનું વિચારી રહી છે અને તેમના નામની ચર્ચા ચાલી રહી છે. જો તે ઈચ્છતા હોય કે તેમનું નામ ફાઈનલ થાય તો તેમણે થોડા પૈસા ખર્ચવા પડશે. ધ્યાનીના કહેવા પર ઉસમાન ઘાંચી દિલ્હી પણ ગયા હતા, જ્યાં તેમને કહેવામાં આવ્યું કે પાર્ટીના નેતાઓ ગુજરાત ગયા છે.ફરિયાદ અનુસાર, રાહુલ ધ્યાનીએ તેમને અમદાવાદ ખાતે પોતાના ઘરે બોલાવ્યા હતા અને આંગડિયાના માધ્યમથી 20 લાખ રુપિયા આપવાનું જણાવવામાં આવ્યુ હતુ. જ્યારે ભાજપના ઉમેદવારોની યાદી બહાર પડી અને ઉસમાન ઘાંચીને જાણ થઈ કે જમાલપુર-ખાડિયાની ટિકિટ ભૂષણ ભટ્ટને આપવામાં આવી છે, તો તેમણે રાહુલનો સંપર્ક કર્યો હતો. રાહુલે અંતિમ સમયે પ્લાનમાં બદલાવ થયો હોવાનું બહાનું કાઢ્યું અને પૈસા પાછા આપવાની વાત પણ નકારી હતી.ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, અમે આરોપીને નવરંગપુરા ખાતેના તેના ઘરેથી પકડી લીધો છે અને 20 લાખ રુપિયા પણ રિકવર કર્યા છે.