ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપૂતો વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ એવી જાહેરાત થઈ હતી કે જીતુ વાઘાણીએ રાજપૂતોની માફી માંગી લીધી છે પરંતું આ બાબતે વાઘાણીએ જાહેરમાં માફી નહીં માંગતાં રાજપૂતો વધુ ઉગ્ર બન્યાં છે. તે ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ બંને વચ્ચે મધ્યસ્થી કરીને વિવાદ શાંત કર્યો હતો એવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી પણ હવે તેમાં નવું તણખલું ચંપાઈ ગયું છે. કારડીયા રાજપૂત સમાજના લોકોએ રાજકોટમાં હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપુતો વચ્ચે શરૂ થયેલા સંગ્રામ ઉપર ઠંડુ પાણી રેડી તેને શાંત કરવાને બદલે સ્થિતિ બગડે તેવા પ્રયાસ ભાજપ દ્વારા થઈ રહ્યા છે. રાજપુત આગેવાનો અને અમિત શાહ વચ્ચે બેઠક થયા બાદ રાજપુતો સમાધાન કરી લેવા તૈયાર હતા અને તેમણે સમાધાનની જાહેરાત પણ કરી દીધી હતી, પણ વાઘાણીના અહંમને કારણે સમાધાન તુટી ગયુ હતું. જેના કારણે હવે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હાઈવે ઉપર ચક્કાજામની ઘટનાઓ થવા લાગી છે. ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામે રાજપુત યુવકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, અને તેમણે રસ્તા ઉપર ટાયરો બાળી હાઈવે જામ કરી દીધો હતો, આ કઈ પહેલી ઘટના નથી, છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક હાઈવે ઉપર ચક્કજામ કરી દેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભાજપના નેતાઓ ગામમાં પ્રવેશ પણ મળતો નથી, જેના કારણે સ્થાનિક નેતાઓની મુંઝવણ વધી ગઈ છે
વીડિયો સાભાર - મેરા ન્યુઝ