વલસાડના પારડીના રોહિણામાં પિતા-પુત્ર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. જે બાદ પિતાની પણ તબિયત લથડી હતી. જેથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર મામલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા એક ખેડૂતે તેમની જમીનમાં ઊગેલાં ઝાડ કપાવ્યાં હતાં. જેમાં 4 લાખથી વધુની આવક થઈ હતી. જેથી ખેડૂતના પુત્રએ તેમની જમીનમાં ઘર બનાવવા માટે પિતા પાસે વારંવાર રૂપિયાની માંગણી કરી હતી. પિતા પાસે ઝાડ કપાયા બાદ રૂપિયા આવ્યા હોવાની જાણ પુત્રને થઈ હતી. પુત્રએ નવું ઘર બનાવવા માટે પિતા પાસે રૂપિયાની માગણી કરવા પહોંચ્યો હતો. જે દરમિયાન પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પિતાએ કુહાડીના ઘા પુત્ર પર ઝીંકી દીધા હતા, જેથી પિતાના હાથે પુત્રની હત્યા થઈ હતી. ઘટનાની જાણ અગ્રણીઓને થતાં તાત્કાલિક 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે પિતાને 108 મારફતે સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.