Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત કોર્ટમાં તારીખ ભરવા આવેલા હત્યાના આરોપીને બે યુવકોએ છરીના ઘા ઝિંકીને રહેંસી નાંખ્યો

Two youths stabbed the murder accused who came to Surat court
, શુક્રવાર, 5 મે 2023 (17:33 IST)
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે, જાહેરમાં બે યુવક છરી વડે હત્યાના આરોપી પર તૂટી પડે છે અને માત્ર 30 સેકન્ડમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે.સુરતના સચિન વિસ્તારમાં રહેતો સૂરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સૂરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. અજાણ્યા બે યુવક દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, કોર્ટ પરિસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષ્ણ હથિયાર વડે સૂરજ યાદવ નામના યુવક પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવની હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી, તે માટે આવ્યો હતો. સાગર બાગમારે વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન અજાણ્યા બે યુવક તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ બંને યુવક કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઈ અને બન્ને શખસને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુલ્હનની માંગમાં સિંદૂર ભરતા જ વરરાજાનુ મોત, બિહારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ