ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચનારી ભારતીય ટીમનો મુખ્ય ભાગ રહેલા મોહમ્મદ સિરાજ ગુરૂવારે હૈદરાબાદ પહોચ્યા. એયરપોર્ટ પરથી ઉતરીને સિરાજ સીધા પોતાના પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોચ્યા અને તેમને ભીના આંખે શ્રદ્ધાંજલિ આપી. સિરાજના પિતાનું 20 નવેમ્બરના રોજ નિધન થયુ હતુ. આ દરમિયાન સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતા. કોરોના પ્રોટોકોલને કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા. જો કે ઓસ્ટ્રેલિયા ટૂર પર તેમનુ પ્રદર્શન દમદાર રહ્યુ હતુ.
આ સિરીઝ દરમિયાન સિરાજે કેટલાક અંગત રેકોર્ડ પણ બનાવ્યા હતા. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી, ત્યારે સિરાજની માતા, ભાઈ અને મિત્રો હૈદરાબાદમાં ભાવનાશીલ બન્યા હતા. સિરાજ ગાબામાં પહેલી વખત 5 વિકેટ લઈને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાબાની ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર ફક્ત 5માં ભારતીય બોલર બન્યા હતા.
અહીં સુધી પહોંચવાનુ સિરાજ માટે સરળ નહોતુ. થોડા વર્ષો પહેલા હૈદરાબાદના 'ફર્સ્ટ લાન્સર વિસ્તાર'ના સ્થાનિક ઇદગાહ ગ્રાઉન્ડ પર સિરાજે ઉઘાડા પગે બોલિંગ કરી હતી. માર્ચ મહિનામાં 27 વર્ષનો થવા જઈ રહેલો સિરાજ એક સામાન્ય પરિવારનો છે. તેના પિતા મોહમ્મદ ગૌસ ઓટો રિક્ષા ચલાવતા હતા. સિરાજના ભાઈઓ તેના પિતાની મદદ કરતા હતા.