Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શૂન્ય નામનો આ ઘોડો દાહોદમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં અશ્વદળની આગેવાની કરશે

webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (20:35 IST)
૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દાહોદમાં વિશિષ્ટ મહેમાનોનો એક સમુહ પણ દાહોદ આવી ગયો છે. આ મહેમાનો છે દૈવીપ્રાણી અશ્વો ! માઉન્ટેડ પોલીસના ૨૫ જાતવાન અશ્વો પણ રાજ્ય કક્ષાની પરેડમાં ભાગ લેવાના છે. સાથે, ઘોડેસવારો પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવાના છે.
 
ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન અને ગુજરાત સ્થાપના દિનની રાજ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ રાજ્ય ઉત્સવ જે જિલ્લામાં હોય ત્યાં પોલીસ પરેડની સાથે તેનો અશ્વ શો આકર્ષણનું કેન્દ્ર હોય છે. દાહોદમાં પણ માઉન્ટેડ પોલીસ દ્વારા તેના કૌશલ્યનું નિદર્શન થશે.
 
અહીં ૨૬ જાન્યુઆરીના રોજ અશ્વદળ દ્વારા સ્ટેન્ડિંગ સેલ્યુટ કરવામાં આવશે. જેમાં એક જવાન દોડતા અશ્વ ઉપર કોઇ સહાર વિના ઉભા રહીને સલામી આપતા પસાર થાય છે. એ બાદ ઇન્ડીવ્યુડ્અલ ટેન્ટ પેગિંગ, ટીમ ટેન્ટ પેગિંગ, ઇન્ડિયન ફાઇલ અને શો જમ્પિંગના કરતબ થશે. ટેન્ટ પેગિંગ વિશે ખબર ન હોય તો જાણી લો કે એ ભારતમાં શોધાયેલી અશ્વદળની આ એક યુદ્ધકલા છે. તેનો ઇતિહાસ રસપ્રદ છે. 
 
તેના વિશે જણાવતા માઉન્ટેડ પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી એમ. એસ. બારોટ કહે છે, પ્રાચીન ભારતમાં યુદ્ધ ટાણે વિરોધીઓ જ્યાં પડાવ નાંખ્યો હોય તેને નિશાન બનાવવામાં આવતું. આ સૈનિકો રહેવા ટેન્ટનો ઉપયોગ કરતા હતા. હવે, આ છાવણીને ઉભી કરવા માટે જમીનમાં જે લાકડાના ખીલા ખોડવામાં આવે છે, તેને પેગ કહેવામાં આવે છે. 
 
રાત્રીના સમયે હરીફ રાજ્યના અશ્વદળના ચુનંદા સૈનિકો વીજળી ગતિથી આવી પોતાની પાસે રહેલા ભાલાથી પેગને ઉખેડી નાખે અને છાવણી તેની અંદર સૂતેલા જવાનો ઉ૫ર પડે, એ જ સમયે પાયદળ આવીને તેના ઉપર હુમલો કરે, આવી યુદ્ધનીતિ રહેતી. આ ઉપરાંત, લડાઇમાં રહેલા હાથીને પગમાં ઘાયલ કરવા પણ પેગિંગ થતા હતા. કાળક્રમે આ યુદ્ધકલા રમતના સ્વરૂપે વિકસિત થઇ. હવે તો ક્રિકેટની જેમ વિશ્વ કપ રમાઇ છે. 
 
ટેન્ટ પેગિંગમાં ઘોડેસવારે કૂલ ૧૦૦ મિટર દોડવાનું હોય છે. તેના પ્રથમ ૭૦ મિટર અંતરે પેગ રાખવામાં આવે છે. આ સો મિટરનું અંતર માત્ર સાત સેકન્ડમાં પસાર કરવાનું હોય છે. (નોંધ-ઉસેન બોલ્ટનો ૧૦૦ મિ.નો રેકોર્ડ ૯.૫૮ સેકન્ડ છે) એટલે, આંખના પલકારની ગતિએ ઘોડેસવાર પોતાના હાથમાં રહેલા ૮.૪ ઇંચના લાન્સ (ભાલા)ને લઇ આગળ વધવાનું અને પેગમાં લાન્સને ખૂંચાવી લઇ આગળ વધવાનું હોય છે. ઘોડાની આ ગતિને ગેલેપ ચાલ કહે છે. સાવ સામાન્ય લાગતી બાબત વાસ્તવમાં ખૂબ જ કપરી છે. સામાન્ય સવાર કે સામાન્ય તોખારનું આ કામ નથી. 
 
ઘોડાની ચાલ વિશે પણ જાણવા જેવું છે. ઘોડો સાવ ધીમી ગતિએ, નાના ડગલે ડાબલા વગાડતો ચાલે, તેને રવાલ ચાલ છે. અશ્વના સામાન્ય ચાહકોમાં આ ચાલ પ્રિય છે. પણ, પેગિંગમાં રવાલ ચાલના ઘોડા ચાલતા નથી. પોલીસ પાસે અશ્વ તાલીમમાં આવે એટલું સૌથી પહેલું કામ તેને રવાલ ભૂલવાડવાનું હોય છે. માઉન્ટેડ પોલીસના ઘોડા લાંબા ડગલાની દુડકી ચાલથી ચાલે છે. જેને ટ્રોટ પણ કહેવામાં આવે છે. એ બાદ મધ્યમ ગતિને કેન્ટર ચાલ અને તેજ ગતિને ગેલેપ કહે છે. 
webdunia
દાહોદની પરેડમાં મુખ્યત્વે કાઠિયાવાડી, મારવાડી અને થરોબ્રેડ બ્રિડના ભાગ લેવાના છે. થરોબ્રેડ અશ્વને માનવામાં આવે છે. પોલીસના તેજીલા તોખારોમાં ગરુડ, બ્લેક ક્વિન, સમ્રાટ, રોશન, રાજદૂત, દિલેર અને શૂન્ય મુખ્ય છે. આ પૈકી એક ઘોડીની કિંમત રૂ. ૧.૮૦ લાખ છે. આ તમામ અશ્વોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. દર માસે તેના આરોગ્યની તપાસણી થાય છે. રસીકરણ થાય છે. વળી, તેના ડાબલા અને નાળની સંભાળ લેવામાં આવે છે. પરેડમાં ભાગ લેવાનો હોય ત્યારે વિશેષ વધારાનો ખોરાક આપવામાં આવે છે. તેમાં ઘી વાળા દાણા પણ આપવામાં આવે છે. પરેડ વખતે અશ્વના પગ ઉપર રંગીન બાંડિશ પટ્ટી બાંધવામાં આવે છે. 
webdunia
અશ્વદળની આગેવાની શૂન્ય નામનો ઘોડો કરશે. આ નામ પ્રખ્યાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી ઉપરથી પાડવામાં આવ્યું છે. થરોબ્રેડ કુળનું આ પ્રાણી ગુજરાત સરકારને ભેટમાં મળ્યું છે. પુણેમાં અશ્વશાળા ધરાવતા કોઇ સજ્જન વિદેશમાં સ્થાયી થતાં પૂર્વે ૮૯ ઘોડા ભેટમાં આપી દીધા હતા. તેમાં તે વખતે વછેરો  શૂન્ય પણ હતો. પીઆઇ શ્રી બારોટે તેને તાલીમ આપી. તેણે શૂન્યની સાથે અનેક મેડલ પણ જીત્યા છે. 
પોલીસ દ્વારા અશ્વ ખરીદીની એક પ્રક્રીયા હોય છે. આ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં જાહેરાત આપી નિયત જગાએ કેમ્પ કરે છે. જેમાં પશુ ચિકિત્સકો ઉપર અશ્વના જાણતલ પણ હોય છે. 
 
ઘોડાની લંબાઇ, પગ, તેના ડાબલા, આરોગ્યને ધ્યાને રાખી ત્રણથી સાત વર્ષની ઉંમરના જ અશ્વોની પોલીસ ખરીદી ભાવતાલ કરીને કરે છે. ખરીદી કરવાના સાથે ઘોડાની હિસ્ટ્રીશીટ શરૂ થાય છે. જેમાં ઘોડાની તમામ વિગતો રાખવામાં આવે છે. સમયાંતરે થતી બિમારી, તેની સારવારની પણ નોંધ કરવામાં આવે છે. સરકારી પરિભાષામાં તેને લાઇવસ્ટોકની નિભાવણી કહે છે. 
 
સામાન્ય રીતે સરકારી દફતરે રહેલી કિંમતી વસ્તુ કામની ના રહે એટલે તેને કન્ડમ કરવાના નિયમો હોય છે. પણ, અશ્વોને કન્ડમ કરવાની વિશેષ પ્રક્રીયા છે. કોઇ કારણોસર ઘોડો કામનો ના રહે એટલે પશુતબીબો સહિતની પોલીસ અધિકારીઓની કમિટિ તેની બિમારી, ઇજાની તપાસ કરે છે. બાદમાં તેના આધારે અશ્વને કન્ડમ કરવામાં આવે. તે બાદ પણ પોલીસ દ્વારા અશ્વની સંભાળ રાખવામાં આવે છે. પણ, તેની પાસેથી કામ લેવાતું નથી. હવે બોલો ! શું તમને ગુજરાતની માઉન્ટેડ પોલીસ આવી ખબર હતી ?

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

પાટણ નજીક કારે બાળકને અડફેટે લેતાં મોત, કાર ચાલક ફરાર