મહારાષ્ટ્રના જાલનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 ડિસેમ્બરે ક્રિસમસના અવસર પર જાલનામાં ક્રિકેટ મેચ રમાય રહી હતી ત્યારે ખેલાડીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
પીચ પર બેસ્યો પછી...
જાલનામાં ક્રિસમસ ક્રિકેટ ટ્રોફી રમી રહેલા 32 વર્ષીય વિજય પટેલ અચાનક ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ પર બેસી ગયા અને તેમની હાલત ધીરે ધીરે બગડવા લાગી. તેની ટીમના સાથીઓ તરત જ ત્યાં પહોંચ્યા અને તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેની હાલત બગડી ગઈ હતી. થોડા સમય પછી વિજય પટેલનું અવસાન થયું. મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જો કે, વિજય પટેલના મૃત્યુ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
મેચ રદ્દ
આ ઘટનાએ જાલના અને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. સ્થાનિક લોકો અને ખેલાડીઓએ વિજય પટેલના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ મેચ રદ કરવામાં આવી હતી. જાલના પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.