Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીના વિજય અંગે પાકિસ્તાનનું મીડિયા શું કહે છે?

નરેન્દ્ર મોદીના વિજય અંગે પાકિસ્તાનનું મીડિયા શું કહે છે?
, શુક્રવાર, 24 મે 2019 (10:40 IST)
ગુરૂવારે 17મી લોકસભાનું ગઠન કરવા માટે આયોજિત ચૂંટણીનાં પરિણામ બહાર આવ્યાં, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું સત્તા ઉપર પુનરાગમન થયું છે. અપેક્ષા મુજબ જ ભારત ઉપરાંત પાડોશી દેશો તથા પશ્ચિમી દેશોમાં હવે પછી કોની સરકાર બનશે તેની ઉત્કંઠા હતી. ભારતમાં કોની સરકાર બને છે, તેની ઉપર સંબંધોનો આધાર હોય પાકિસ્તાની મીડિયામાં પણ મતગણતરી અંગે આતુરતા હતી. પાકિસ્તાન ઉપરાંત ચીન, અમેરિકા સહિતના દેશોના મીડિયા ગૃહોએ આ પરિણામોની નોંધ લીધી અને તેનું વિશ્લેષણ પણ કર્યું.

 
પાકિસ્તાની અખબાર : The Dawn
 
પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ ડૉન'એ 'ઇમરાને મોદીને આપ્યાં અભિનંદન'ના શિર્ષક સમાચાર સાથે ભારતની લોકસભા ચૂંટણીના પરિણામનો અહેવાલ છાપ્યો છે.
 
અખબાર નોંધે છે કે બાલાકોટ ખાતે થયેલા હવાઈ હુમલાને કારણે ભારતમાં રાષ્ટ્રવાદનો જુવાળ ઊભો થયો, જેણે ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી. મોદી 'મજબૂત નેતા' તરીકે પ્રસ્થાપિત થયા.બેકારી, ગ્રામીણ દુર્દશા અને અર્થતંત્ર ક્ષેત્રે સરકારની નિષ્ફળતા ઉપરથી લોકોનું ધ્યાન હટી ગયું. અખબારે તેની વેબસાઇટ ઉપર, લાઇવ બ્લૉગ દ્વારા ભારતમાં ચાલી રહેલી મતગણતરીનું રિપોર્ટિંગ કર્યું હતું.
 
અમેરિકાનું અખબાર : ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ
 
અમેરિકાના અંગ્રેજી અખબાર ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે 'ભારતના 'ચોકીદાર' નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક વિજય' અહેવાલ સાથે ચૂંટણીમાં ભાજપના વિજયની નોંધ લીધી છે. આ સિવાય 'ઇર્ષ્યા અને નફરત દ્વારા કેવી રીતે મોદીએ ભારતને ભોળવ્યું', 'ભારતની ચૂંટણીમાં મોદીનાં ભવ્ય વિજયથી ફલિત થતી પાંચ બાબતો', 'વારાણસીમાં મોદી નાયકની સાથે ખલનાયક પણ' તથા 'મોદી અને ભાજપે ભારતમાં ઇતિહાસ સર્જ્યો. (રાહુલ) ગાંધીએ સ્વીકાર્યું' જેવા ભારતની ચૂંટણીલક્ષી અહેવાલ અલગથી પ્રકાશિત કર્યા છે.
webdunia
અખબાર નોંધે છે, 'દેશમાં લઘુમતી અસુરક્ષા અનુભવતા છતાં તે પોતાને ચોકીદાર કહેતા, ગરીબ પરિવારમાં ઉછેરની વાત કરતા, પણ ધનિકોને મદદ કરતા. બિઝનેસની વાત કરતા, પણ રોજગારનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યા, જેવા વિરોધાભાસ છતાં મોદીનો વિજય થયો છે.'
 
અખબારે અવલોક્યું છે કે 'હિંદુ રાષ્ટ્રવાદ, ગરીબો માટેની કેટલીક યોજનાઓ અને લોકરંજક વિનમ્રતાએ તેમને વિજય અપાવ્યો.'
 
પાકિસ્તાની ચેનલ : જિયો ટીવી
 
પાકિસ્તાનની પૉપ્યુલર ચેનલ જિયો ટીવીએ 'મોદીએ ફરી વિપક્ષને આપ્યો આઘાત, પ્રચંડ વિજય'ના શિર્ષક સાથે ભારતીય ચૂંટણીના સમાચાર મૂક્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન 'સમગ્રે વિશ્વએ ભારતની લોકશાહીની શક્તિની નોંધ લેવી રહી.'ની પણ અહેવાલમાં નોંધ લેવાઈ છે.
webdunia
ભારતીય ચેનલની જેમ જ જિયો ટીવીએ શરૂઆતના ટ્રૅન્ડ્સની ટેલી સ્ક્રિન ઉપર દેખાડી હતી, જેને અમુક કલાકો બાદ હટાવી લીધી હતી.
 
અમેરિકન અખબાર : વૉશિંગ્ટન પોસ્ટ
 
'મતદારોએ મોદીના સશક્ત અને રૂક્ષ હિંદુ ભારતની કલ્પનાને સ્વીકારી' અહેવાલ સાથે વૉશિંગ્ટન પોસ્ટે તેની વેબસાઇટ ઉપર વિશ્વની કૅટેગરીમાં ભારતના ચૂંટણી સમાચાર નોંધ્યા છે.
webdunia
અખબાર લખે છે 'જનતાએ મોદીમાં વિશ્વાસ મૂક્યો છે. મોદી કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં જમણેરી વિચારસરણી ધરાવતા નેતાઓમાંથી એક છે.' ગત વખત કરતાં વધુ બેઠકો મેળવવી 'અનપેક્ષિત હતી.'
 
અખબારે આ સિવાય 'હિંદુઓ પહેલાંના મુદ્દે ભારતમાં મોદીનો વિજય' અને 'રાષ્ટ્રવાદને કારણે ભારતમાં મોદીનો ભવ્ય વિજય' જેવાં શીર્ષક સાથે સંબંધિત લેખો પણ પ્રકાશિત કર્યાં છે.
 
ખાડીનું મીડિયાગૃહ : અલ-જઝીરા
webdunia
કતારની સરકારી વૈશ્વિક મીડિયા સંસ્થા અલ-જઝીરાએ ભારતની ચૂંટણીના તમામ સમાચાર સતત અપડેટ્સ આપ્યાં હતાં. 'ઐતિહાસિક જનાદેશ સાથે ભારતે મોદીને ફરી ચૂંટ્યા'ના શિર્ષક સાથે મુખ્ય સમાચાર મૂક્યા છે. અલજઝીરા લખે છે, 'વધુ બહુમત સાથે ભાજપ ચૂંટાયો છે, જેનાં કારણે છેલ્લા પાંચ વર્ષથી હિંસક હિંદુ જૂથોથી પીડિત મુસ્લિમોમાં ચિંતાનો માહોલ છે.' પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉદયને 'આશ્ચર્યજનક' ગણાવ્યો છે. આ સિવાય અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજય અંગેના સમાચારને અલગથી છાપ્યા છે.
 
ચીનની મીડિયા સંસ્થા : ગ્લોબલ ટાઇમ્સ
webdunia
ચીનીની સરકારી મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઇમ્સે 'મોદીનાં નેતૃત્વમાં ભાજપે ભારતની ચૂંટણી જીતી'ના મથાળા સાથે ભારતની ચૂંટણીના સમાચારની નોંધ લીધી છે. અખબારે ચીનની ન્યૂઝ એજન્સી 'શિન્હુઆ'ના હવાલાથી આ અહેવાલ છાપ્યો છે. આ સિવાય ભાજપ દ્વારા ઉજવણીનો તસવીરી અહેવાલ અલગથી છાપવામાં આવ્યો છે. ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆ એ 'સરકારનો અવાજ' હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ગંભીરતાથી લેવામાં આવે છે.
 
પાકિસ્તાની અખબાર : ધ ઇન્ટરનેશનલ ન્યૂઝ
 
પાકિસ્તાની અખબાર, ધ ઇન્ટરનેશનલ ન્યૂઝની વેબસાઇટએ લોકસભા ચૂંટણી સંદર્ભના ત્રણ સમાચારને પ્રાધાન્ય આપ્યું છે. 'ભારતમાં મોદી ફરી ચૂંટાયા' શિર્ષક સાથે અખબારે મોદીના ફરી વડા પ્રધાન બનવાના સમચાર છાપ્યા છે. આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને અભિનંદન આપ્યા તે સમાચારની નોંધ લીધી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાઠવેલા અભિનંદન તથા તેની ઉપર મોદીની પ્રતિક્રિયાની પણ અખબારે નોંધ લીધી છે.
webdunia
જોકે, ભારતમાં ચૂંટણીના સમાચાર અખબારની પ્રિન્ટ ઍડિશનમાં પ્રથમ પૃષ્ઠ પર ન હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJPએ જીત્યા કોંગ્રેસના ગઢ, આ રાજ્યોમાં ન મળી એક પણ સીટ