કોરોનાના ડરને કારણે અમદાવાદ સિવિલમાં ઓપીડી સૂમસામ
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (14:15 IST)
ગુજરાતમાં કોરોનાએ કેર મચાવ્યો છે. પરિસ્થિતી એટલી હદે વણસી છેકે, કેસો અને મૃત્યુદરની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. આ સંજોગોમાં લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે પરિણામે એવી સ્થિતી સર્જાઇ છેકે, એશિયાની સૌથી મોટા ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી પણ સૂમસામ ભાસી રહી છે.એક સમયે અમદાવાદ સિવિલમાં ઓપીડી બિલ્ડીંગમાં દર્દીઓથી ઉભરાતી હતી તે બિલ્ડીંગમાં આજે માત્ર ૧૦ દર્દીઓ જોવા મળી રહ્યાં છે.લોકડાઉનને કારણે બહારગામ જ નહીં,અન્ય રાજ્યના દર્દીઓ પણ સિવિલમાં આવી શકતાં નથી. આ જ પ્રમાણે,અમદાવાદીઓ પણ કોરોનાના ડરને કારણે સિવિલમાં જતાં ડર અનુભવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલને કોરોનાની બેઝ હોસ્પિટલ બનાવાઇ છે.૧૨૦૦ બેડની મેડીસીડી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ સિવિલમાં ૧૦ હજારથી વધુ લોકોની અવરવજર રહે છે પણ અત્યારે કોરોનાના કારણે સિવિલમાં લોકોની સંખ્યા ઘણી જ સિમિત રહી છે.તેનુ કારણ એછેકે,લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાંથી આવતાં લોકો પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લામાંથી આવતાં દર્દીઓ પણ અત્યારે આવતાં નથી. લોકો સ્થાનિક દવાખાના-ડોકટરોનો સહારો લઇને કામ ચલાવી રહ્યાં છે.અત્યારે તો ઇમરજન્સી કેસો સિવાય બધા દર્દીઓ જિલ્લા-તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યાં છે. ઓર્થોપેડિક ડોકટરોનું કહેવુ છેકે, સામાન્ય દિવસોમાં ઓર્થોપેડિક ઓપીડીમાં ૨૦૦-૨૫૦થી વધુ દર્દીઓ આવતાં હોય છે પણ અત્યારે કોરોનાના કારણે આખી સ્થિતી બદલાઇ છે. માત્ર ગણતરીના ૨૦-૩૦ દર્દીઓ જ આવે છે.ઓપીડીમાં દર્દીઓની સંખ્યા ખુબ જ ઘટી છે. આ ઉપરાંત ઓર્થોપેડિક ઓપરેશન પણ માંડ ગણતરીના માંડ પાંચ ઓપરેશન થઇ રહ્યાં છે. ઘણાં દર્દીઓને એમ થાય છેકે,કયાંક સિવિલમાં જતાં કોરોનાનો ચેપ લાગે નહીં.માત્ર ઓર્થોપેડિક જ નહીં,સર્જીકલ સહિતના અન્ય વિભાગોમાં ય આ જ દશા છે.આ જ પરિસ્થિતી હાર્ટ ઇન્સ્ટિટયુટ અને કિડની હોસ્પિટલમાંય આવી પરિસ્થિતી છે.
આગળનો લેખ