Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે 30,000 કરોડનું રોકાણ આવ્યું છે: સ્મૃતિ ઇરાની

ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે 30,000 કરોડનું રોકાણ આવ્યું છે: સ્મૃતિ ઇરાની
, સોમવાર, 21 જાન્યુઆરી 2019 (14:29 IST)
કેન્દ્રએ ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ યોજના અન્વયે 1800 કરોડ ફાળવ્યા હતા જેના પગલે સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રમાં સાડા ત્રણ વર્ષમાં 30,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે તેમ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ  ટેક્સટાઇલ અંગેના સેમિનારમાં જણાવ્યું છે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ટેક્સટાઇલ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં આગામી દિવસોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

કેન્દ્ર સરકાર ગુજરાત સહિત દેશભરમાં ટેક્સટાઇલના વિકાસ અને નિકાસને વધુ વેગ આપવા માટે કટીબદ્ધ છે, એટલું જ નહીં અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. ઇરાનીએ કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા 2014 પછી રાજ્યમાં 5614 કરોડના અપેક્ષિત મૂડીરોકાણ સાથે 17 ટેક્સટાઇલ પાર્ક મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી ૬ કાર્યરત થયાં છે. સેમિનાર દરમ્યાન સ્મૃતિ ઇરાનીએ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસી કે જેમાં ધિરાણમાં રાહતો આપવા અંગે નવા સુધારા કરવામાં આવ્યા છે તે બુકલેટનું પણ વિમોચન કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતની નવી ટેક્સટાઇલ નીતિથી રાજ્યમાં આ સેક્ટર વિકાસ કરશે, એ સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળશે. એસોચેમના ચેરમેન બી.કે.ગોયંકાએ સેમિનારમાં કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરમાં 35,000 કરોડથી વધુ મૂડીરોકાણ આવ્યું છે, જે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધારે છે. વધુ રોકાણ આવવાનું કારણ એ પણ છે કે રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને કામદારોની સલામતી છે. રાજ્યમાં એકપણ દિવસનો લેબર લોસ નથી. ગોયંકાએ કહ્યું હતું કે રાજ્યમાં ટેક્સટાઇલ સેક્ટર દ્વારા સીધી પાંચ લાખ લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેક્ટરમાં મૂલ્યવર્ધન થઇ શકે તે માટે સંપૂર્ણ વેલ્યુચેઇન ઉભી કરી છે જેનો સીધો લાભ મળ્યો છે. જીએસટીના અમલીકરણ પછી ટેક્સટાઇલ ક્ષેત્રને પડતી મુશ્કેલી અંગે કેન્દ્રનું ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે જીએસટીમાં કેટલીક સમસ્યાઓ ઉકેલાઇ નથી તે દિશામાં કેન્દ્રએ આગળ વધીને ઝડપથી સમાધાન કરવું જોઇએ. અરવિંદ ગ્રુપના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કુલિન લાલભાઇએ કહ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડેનિમની માંગ વધી છે, જો તેનું ઉત્પાદન બમણું કરવામાં નહીં આવે તો આપણે સ્થિતિને પહોંચી શકીશું નહીં. આ સેક્ટરે સમયની માંગ સાથે ચાલીને વધુ રોજગારી ઉભી કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે એપરલ એક્સપોર્ટમાં બાંગ્લાદેશ ભારતથી એક ડગલું આગળ છે, કારણ કે તેમની એપરલ પોલિસી સ્પર્ધાત્મક છે. આપણે પણ આ દિશામાં વિચારવું જોઇએ. ભારત પણ આગામી દિવસોમાં 150 મિલિયન ડોલરની એપરલ એક્સપોર્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તો કોંગ્રેસના ટિકિટ પર ભોપાલથી ચૂંટણી લડશે કરીના કપૂર ખાન ?