સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી તેલંગણાની કોલેજીયન યુવતીને ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી યુવકે ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે બાદમાં આપણા બંનેની જ્ઞાતિ અલગ છે એટલે હું લગ્ન નહીં કરું એમ કહી તરછોડી દીધી હતી. જેથી યુવતીએ ફરિયાદ નોંધવતા જીમ ટ્રેનર પ્રેમીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે.ડીંડોલી વિસ્તારમાં રહેતી મૂળ તેલંગણાની કોલેજીયન યુવતી કૃપાલી (ઉ.વ. 23 નામ બદલ્યું છે) આઠેક મહિના અગાઉ વેસુ ખાતે વિઝા કન્સલ્ટીંગ તરીકે નોકરી કરતી હતી. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ દિનેશ મુંધવા (ઉ.વ. 24) સાથે મિત્રતા થઇ હતી. શરૂઆતમાં મેસેન્જર પર વાતચીત કરનાર પ્રેમ કૃપાલીને મળવા તેની ઓફિસે ગયો હતો. જયાં બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી અને નિયમીત પણે વાતચીત કરતા હતા. ઓક્ટોબર 2021માં કૃપાલી માતા-પિતા સાથે વતન ગઇ હતી. ત્યારે મેસેજમાં પ્રેમે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. વતનથી આવ્યા બાદ કૃપાલી અને પ્રેમ અઠવા ગેટ રિવરફ્રન્ટ અને શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરવા જતા હતા.માતા-પિતાની ગેરહાજરીમાં કૃપાલીના ઘરે આવેલા પ્રેમે તેની સાથે પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ સમયાંતરે તેઓ એકાંત માણતા હતા. દરમિયાનમાં કૃપાલીને ગર્ભ રહેતા પ્રેમને લગ્ન કરવા માટે દબાણ કર્યુ હતું. પરંતુ પ્રેમે તારી અને મારી જ્ઞાતિ અલગ છે, હું તારી સાથે લગ્ન નહીં કરું એમ કહી તરછોડી દીધી હતી. જેથી કૃપાલીએ પ્રેમી થકી ગર્ભવતી થઇ હોવાનું જાણ માતાને કરી હતી. માતાએ પુત્રી અને પરિવારની આબરૂ બચાવવા ગર્ભ કઢાવી નાંખ્યો હતો. ત્યારબાદ પણ કૃપાલીએ પ્રેમને લગ્ન માટે કહ્યું હતું. પરંતુ પ્રેમે ઇન્કાર કરી દેતા છેવટે ફરીયાદ નોંધાવી હતી. ડીંડોલી પોલીસે જીમ ટ્રેનર પ્રેમીની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી.