Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ, ઘેરબેઠા મેળવી શકાશે પ્રસાદી

નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ, ઘેરબેઠા મેળવી શકાશે પ્રસાદી
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (19:09 IST)
એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે અત્રે આવનાર પ્રવાસીઓ માટે  નર્મદા મહાઆરતી એક અનન્ય આકર્ષણ બની રહેશે તે નિશ્ચિત છે.
 
શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ સદકાર્ય માટે વેબસાઇટ વિકસાવવામાં આવી છે જેનું આગામી તારીખ – ૨૪/૦૨/૨૦૨૨,ગુરૂવારના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં શૂલપાણેશ્વર મહાદેવની મહાપૂજા બાદ ઇ-લોકાર્પણ કરાશે. www.narmadamahaaarti.in વેબસાઇટ શ્રદ્ધાળુઓ માટે અતિઉપયોગી અને માહિતીસભર બની રહેશે તેવો અમને આશાવાદ છે.
 
શિવપુત્રી નર્મદા દુનિયાની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા પણ કરવામાં આવે છે. ભગવાન મહાદેવે મા નર્મદાજીનાં પ્રાગટ્ય અવસરે એવા આશીર્વાદ આપ્યા હતાં કે, મા નર્મદાજીનાં કિનારે પ્રત્યેક કંકર શંકર કહેવાશે માટે નર્મદા નદીનો કાંઠો અતિપવિત્ર માનવામાં આવે છે.
 
નર્મદા નદીનાં માહાત્મ્ય ને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની પરિકલ્પનાને સાકાર કરવા માટે શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રતિદિન પૂરા રીત-રીવાજ અને મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહા-આરતીનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર વાતાવરણમાં ૭ પૂજારીશ્રીઓ દ્વારા મા નર્મદાજીની આરતી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનાં ગાન સાથે ધૂપ-આરતીથી નર્મદાજીને અર્ઘ્ય આપવામાં આવે છે. સંગીતવૃંદ દ્વારા સુંદર આરતી રજૂ કરવામાં આવે છે જેથી વાતાવરણમાં અતિ પવિત્રતા છવાઇ જાય છે.
 
વેબસાઈટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીની યજમાનીનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે.આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનમાં પકવેલા અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સ્થળે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે ઉપરાંત મહાઆરતીના યજમાન માટે અન્ય દેવસ્થાનોના પ્રમાણમાં ખુબ જ ઓછા દર સાથે અત્રે આવનાર શ્રદ્ધાળુઓ માટે પણ લાભ ઉપલબ્ધ કરાવવા સારૂ નિર્ણય કરાયો હતો.
                        
ઉપર જણાવેલ સુવિધા/સેવા થકી થનાર આવક્થી મંદિર ટ્રસ્ટ પગભર બની શકે અને અત્રે આવનાર પ્રત્યેક શ્રધ્ધાળુ લાભ લઇ શકે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ઉપરોકત દરો મંદીર ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા. અને આ થકી થનાર આવકનો ઉપયોગ  નર્મદા મહાઆરતી ઘાટ અને મંદિર પરીસરની સાફ્સફાઇ,જાળવણી અને મરામત પાછળ કરવામાં આવનાર છે.
 
શૂલપાણેશ્વર નર્મદા ઘાટ
• શૂલપાણેશ્વર નર્મદા ઘાટ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા ખાતે આવેલો છે.
• શૂલપાણેશ્વર નર્મદા ઘાટના નિર્માણનો આરંભ તા. ૩૦/૦૩/૨૦૨૧નાં રોજ કરવામાં આવ્યો અને તા. ૩૧/૦૮/૨૦૨૧નાં રોજ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
• નર્મદા ઘાટની લંબાઇ ૧૩૧ મીટર અને પહોળાઇ ૪૭ મીટર છે.
• નર્મદા ઘાટ ખાતે ૯.૫ મીટર પહોળા મંચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• નર્મદા ઘાટ ખાતે કુલ ૫ મંચ બનાવવામાં આવ્યા છે, જેમાં ૪ મંચ ૫ X ૫ મીટર અને ૧ મંચ ૫ X ૭ મીટર છે. મંચની નીચલી સપાટી ૩૪.૪૦ મીટર અને ઉપરની સપાટી ૩૫.૦૦ મીટર છે.
• મંચોની વચ્ચે ૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની પહોળાઈ ૨૬ મીટર રાખવામાં આવી છે.  
• નર્મદા ઘાટ ખાતે મહત્તમ ૬,૦૦૦ શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે. (નદીનાં પાણીનાં સ્તર આધારે)
• નર્મદા ઘાટના નિર્માણમાં ૨૯,૫૫૦ ઘન મીટર કોંક્રિટ અને ૩૬૦ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુલ્હને લગ્ન કરવાની ના પાડી, વરરાજાને મંડપમાંથી ઉઠાવીને રસ્તા પર ફેક્યો, જાણો આવુ કેમ થયુ