કેનેડા-અમેરિકા બોર્ડર પર ગાંધીનગરના કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના માઇનસ 35 ડીગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયા હતા. આ કરૂણાંતિકા દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ ચારેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે. ચારેય ભારતના નાગરીક છે અને ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચાના રહેવાસી છે. ભારતીય હાઈકમિશ્રરના જણાવ્યા પ્રમાણે 19 જાન્યુઆરીએ તેમના મૃતદેહો કેનેડા અમેરિકાની બોર્ડર પર મળ્યાં હતાં. હવે તેમના પરિવારને જાણ કરાઈ છે.
ઓટાવા ખાતેના ભારતના હાઈકમિશ્નરે કેનેડા પોલીસને લખેલા લેટરમા જણાવ્યા પ્રમાણે જગદીશભાઈ બળદેવભાઈ પટેલ, પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા અને પુત્ર ધાર્મિકનું 19 જાન્યુઆરીએ કેનેડા અમેરિકાની બોર્ડર પર ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયું હતું. કેનેડાના પોલીસના ચીફ સુપ્રિટેન્ડેન્ટ રોબ હિલે જણાવ્યું હતું કે, તપાસમાં મોડુ થયું તે ભુલ માટે અમે માફી માંગીએ છીએ. પરંતુ ઠંડીમાં થીજી ગેયલી સ્થિતિમાં મૃતદેહો મળી આવ્યાં હતાં. આ તમામના પહેરવામાં આવેલા કપડાં પરથી પ્રારંભીક પુષ્ટી કરવી અમારા માટે મુશ્કેલ હતી. તેથી જ નામોની પુષ્ટી કરવામાં અમને આટલો સમય લાગ્યો છે.
તેમણે કહ્યું હતું કે આ પરિવાર 12 જાન્યુઆરીએ કેનેડામાં ટોરેન્ટોમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ તેમણે 18 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરવાનો પ્લાન કર્યો હતો. પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે ટોરેન્ટોમાં પ્રવેશ્યા બાદ તેઓ કેવી રીતે મેનિટોબા પહોંચ્યા હતાં. કેનેડાની તરફે કોઈ તરછોડાયેલું વાહન મળ્યું નથી. જ્યાં આ ચારેય મૃતદેહો મળ્યાં હતાં. જેથી તપાસ કર્તાઓનું આ કેસમાં માનવ તસ્કરી થઈ હોવાનું માનવું છે અને તેઓ એવા વ્યક્તિઓ સાથે વાત કરવા માંગે છે જેણે આ પરિવાર કેનેડામાં હતો ત્યારે મદદ કરી હોય અથવા તો જોયો હોય. રોબ હિલે જણાવ્યું હતું કે હતું કે આ કેસમાં વધુ વિગતો મેળવવા માટે પટેલ પરિવાર સાથે વાતચિત કરનાર અથવા તો બોર્ડર સુધી તેમની મુસાફરી વિશેની માહિતી ધરાવનાર વ્યક્તિની શોધ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, પરિવાર સાથે ઈન્ટરએક્શનમાં હોટેલ, ગેસ સ્ટેશન અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ હોઈ શકે છે.
મેનિટોબાના મુખ્ય તબીબી પરીક્ષક દ્વારા બુધવારે ચારેયના શબપરીક્ષણ કરવામાં આવ્યા હતા અને પુષ્ટિ કરી હતી કે પરિવારના સભ્યો ઠંડીમાં થીજી જવાના કારણે મૃત્યુ પામ્યા હતાં. આ અંગે કેનેડાની પોલીસ ભારત અને અમેરિકામાં વોશિંગ્ટન ડી.સીમાં અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને વધુ તપાસ કરી રહી છે. તેઓ ભારતીય અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. જેઓ શનિવારે વેનિપેગ પહોંચ્યાં હતાં અને ગુરુવારે વહેલી સવારે ભારતમાં આ મૃતકોના પરિવારના નજીકના સંબંધીઓને સૂચિત કરવામાં મદદ કરી હતી એમ કેનેડાના પોલીસના ચીફ સુપ્રિટેન્ડેન્ટ રોબ હિલે જણાવ્યું હતું.
મૃતક ગુજરાતીઓ માટે કેનેડામાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું
કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ આપવા ઝૂમ મીટિંગ પર હેમંત શાહ, આશ પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ અંગે કેનેડામાં વસતા ગુજરાતી સમાજના અગ્રણી હેમંત શાહે જણાવ્યું હતું કે આ ઘટનાના સમાચાર સાંભળીને અમારું હૃદય થીજી ગયું હતું. સમગ્ર કેનેડામાં વસતા ગુજરાતીઓ હાલ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.