Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ગુજરાતમાં લોકો ઘરે બેઠા કરી રહ્યા છે કોરોનાનો ટેસ્ટ, ટેસ્ટ કિટના વેચાણમાં ધરખમ વધારો

In Gujarat
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (11:31 IST)
અમદાવાદ- મંગળવારના રોજ ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા ફરી એકવાર 12 હજારનો આંકડો વટાવી ગઈ હતી. મંગળવારે ગુજરાતમાં 12911 કોરોનાના કેસ નોંધાયા હતા. ગુજરાતના ચારમાંથી ત્રણ મોટા શહેરોમાં કેસની સંખ્યા રોકેટગતિએ વધી રહી છે. કોરોનાના દર્દીઓમાંથી 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. 
 
કોરોનાનો જે રીતે રાફડો ફાટ્યો છે, લોકોની ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો લાગે છે તે લાઇનમાં ઉભા રહીને સંક્રમણનું જોખમ વધારવું તેના કરતા ઘરે જ બેઠા ટેસ્ટીંગ થઇ જાય તો સારુ રહે બસ આવો જ વિચાર કરીને લોકો કોરોના ટેસ્ટીંગની સેલ્ફ કીટની ધૂમ ખરીદી કરવા લાગ્યા છે. જેના કારણે છેલ્લા થોડા દિવસમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમમાં ભારે ઉછાળો આવ્યો છે.
 
ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેર પ્રસરતાં જતાં સેલ્ફ-ટેસ્ટ કીટનું વેચાણ મોટાપાયે રીતે વધી ગયું છે. જો કે, સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ વધી ગયું છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહની સરખામણીએ આ કિટનો વપરાશ હવે 400% વધ્યો છે. રાજ્યના માત્ર ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં દરરોજ 1 લાખ 40 હજાર સેલ્ફ ટેસ્ટ કીટનું વેચાણ થઈ રહ્યું છે. એકલા અમદાવાદમાં જ લોકો દરરોજ 80 હજાર કીટ વડે ઘરે બેઠા ટેસ્ટ કરી રહ્યા છે.
 
તો બીજી તરફ  સુરતમાં દરરોજ 40 હજાર અને વડોદરામાં 20 હજાર કિટનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ત્રણેય શહેરોમાં દરરોજ 5500 કિટનું વેચાણ થઈ રહ્યું હતું. ચિંતાની વાત એ છે કે લોકો રિપોર્ટ કરી રહ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ છુપાવી રહ્યા છે, એટલે કે સરકાર સુધી પહોંચતા નથી. ફાર્મા કંપનીઓના વિતરકો પાસેથી મળેલી માહિતી અનુસાર આ સપ્તાહથી આ વેચાણ અચાનક 40 ગણું વધી ગયું છે. એક સપ્તાહ પહેલા એટલે કે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં સુરત શહેરમાં કુલ 7000 કિટનું વેચાણ થયું હતું.
 
ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનના અંદાજ અનુસાર, શક્ય છે કે કોરોનાના કેસની સંખ્યા વધારે હોય, કારણકે દિવસમાં લગભગ એક લાખ જેટલી રેપિડ એન્ટીજન કિટનું વેચાણ થાય છે. માન્યતા પ્રાપ્ત ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે આ કિટ વેચવાની સત્તા છે, પરંતુ ટેસ્ટના પરિણામ નોંધવામાં નથી આવતા. રાજ્ય સરકારના આંકડા અનુસાર, દરરોજ લગભગ 1થી 1.3 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
 
FGSCDAના ચેરમેન અલ્પેશ પટેલ જણાવે છે કે, ગુજરાતમાં લગભગ 25,000 કેમિસ્ટ અને મેડિકલ સ્ટોર છે. દરરોજ આ મેડિકલ સ્ટોર્સ પરથી ઓછામાં ઓછી 4-5 સેલ્ફ-ટેસ્ટિંગ કિટનું વેચાણ થાય છે. પાછલા એક મહિનામાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 
 
ડિસ્ટ્રીબ્યુટરનું કહેવું છે કે છેલ્લા 1 અઠવાડિયાથી કિટ્સના વેચાણમાં ભારે વધારો થયો છે. તેની માંગ ઝડપથી વધી છે. અમદાવાદમાં પણ એવી જ સ્થિતિ છે. ગત અઠવાડિયે અહીં માત્ર 22000નું વેચાણ થયું હતું. ગત સપ્તાહ સુધી બરોડામાં 10000નું વેચાણ થયું હતું. સુરત શહેરના 80 જેટલા ડિસ્ટ્રિબ્યુટરમાં દરેક વ્યક્તિ દરરોજ 500 જેટલી કિટ સપ્લાય કરે છે. અમદાવાદમાં લગભગ 160 વિતરકો અને બરોડામાં 40 વિતરકો વિવિધ કંપનીઓની સેલ્ફ-ટેસ્ટ કીટ હોલસેલમાં વેચી રહ્યાં છે.
 
હવે ચિંતાની વાત એ છે કે કીટનો આટલો જથ્થો વેચાયા બાદ પણ આરોગ્ય વિભાગ પાસે તેની કોઈ માહિતી નથી. સુરતમાં રોજની 40,000 કીટનું વેચાણ થઈ રહ્યું છે, જેથી તેમાંથી કેટલા પોઝિટિવ આવી રહ્યા છે તેની માહિતી આરોગ્ય વિભાગ પાસે નથી. સેલ્ફ ટેસ્ટ કીટ અંગે લોકોમાં જાગૃતિ છે પરંતુ તેના પરિણામોનો કોઈ ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ નથી.
 
માઇક્રોબાયોલોજિસ્ટ ડો. ફ્રેનિલ મુનિમે જણાવ્યું કે સેલ્ફ ટેસ્ટ કીટનું વેચાણ ભલે વધી ગયું હોય, પરંતુ આરોગ્ય વિભાગને તેનો કોઈ લાભ મળી રહ્યો નથી. લોકો ડિપાર્ટમેન્ટને ટેસ્ટ વિશે માહિતી આપતા નથી. બજારમાં સ્વ-પરીક્ષણ કીટના વિવિધ દરો ઉપલબ્ધ છે. હાલ પરિસ્થિતિ કાબૂ બહાર હોવાથી સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે અમારી સમસ્યા કહીને મેડિકલ સ્ટોરમાંથી દવા લઈએ છીએ અને રાહત મેળવીએ છીએ, પરંતુ કોઈ ડેટા અને તેની કોઈ નિદાન વિગતો આરોગ્ય વિભાગ પાસે રહેતી નથી.
 
ડોકટરોનું માનવું છે કે સેલ્ફ-ટેસ્ટ કીટ એ રેપિડ એન્ટિજેન પરીક્ષણનો એક પ્રકાર છે અને રેપિડ એન્ટિજેનની વિશ્વસનીયતા પર હંમેશા સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તેના પરિણામોને 100% સચોટ ગણી શકાય નહીં. તેથી, લક્ષણો ધરાવતા દર્દીઓ આની સાથે પોતાની જાતની તપાસ કરાવી શકે છે, પરંતુ તેમને સંતોષ માટે RT-PCR ટેસ્ટ કરાવવો પડે છે, આ પ્રાથમિક પરીક્ષણ હોઈ શકે છે, પરંતુ તેના પર સંપૂર્ણ ભરોસો ન કરી શકાય. કોરોના સંક્રમણનું સૌથી સચોટ પરિણામ ફક્ત RT-PCR ટેસ્ટથી જ મળે છે.
 
સુરત મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. પ્રદીપ ઉમરીગર કહે છે કે અમારી પાસે સેલ્ફ-ટેસ્ટ કીટના વેચાણ અને તેના પરિણામો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અમારી પાસે ફક્ત અમે જે ટેસ્ટ કરીએ છીએ અથવા અમે જે કિટ પ્રદાન કરીએ છીએ તેનો ડેટા જ ઉપલબ્ધ છે. કિટ સાથે પરીક્ષણ કર્યા પછી, તેના પર QR કોડ સ્કેન કરીને રિપોર્ટને એપ પર અપલોડ કરવાનો રહેશે, જે સીધો ICMR સુધી પહોંચે છે. પરંતુ, લોકો આવું કરતા નથી.
 
પરંતુ લોકોએ સમજવું જોઈએ કે આ કિટ્સની અસરકારકતા માત્ર 70 ટકા જ છે, માટે તમારું પરિણામ ફોલ્સ નેગેટિવ અથવા ફોલ્સ પોઝિટિવ હોઈ શકે છે. જે લોકોને કોરોના લક્ષણો જણાતા હોય તેમણે લેબમાં જઈને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4405, વડોદરા કોર્પોરેશન 1871, રાજકોટ 1008, સુરત કોર્પોરેશન 708, ગાંધીનગર કોર્પોરેશન 364, ભાવનગર કોર્પોરેશન 233, જામનગર કોર્પોરેશન 172, જુનાગઢ કોર્પોરેશન 15, વડોદરા 524, સુરત 386, મહેસાણા 302, પાટણ 270, રાજકોટ 259, બનાસકાંઠા 243, કચ્છ 243, આણંદ 196, ભરૂચ 180, વલસાડ 171, મોરબી 166, ગાંધીનગર 158, ખેડા 144, નવસારી 142, સાબરકાંઠા 105, અમદાવાદ 96, સુરેન્દ્રનગર 70, અમરેલી 69, પંચમહાલ 50, જામનગર 43, દાહોદ 37, ગીરસોમનાથ 36, દેવભૂમિ દ્રારકા 33, પોરબંદર 32, ભાવનગર 30, મહીસાગર 29, તાપી 28, અરવલ્લી 19, છોટા ઉદેપુર 15, નર્મદા 12, બોટાદ 6 અને ડાંગ 5 એમ કુલ 12,911 નોંધાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Who is khan sir- પહેલા નામ અને હવે વિદ્યાર્થી આંદોલનને લઈને હેડલાઈન્સમાં આવેલા પટનાના ખાન સર, જાણો તેમના વિશે