15 ફેબ્રુઆરીના રોજ કોરોનાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે એટલે કે 6 દિવસ બાદ કોરોનામુક્ત થઈ ગયા છે. કોરોનાને હરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે 21 ફેબ્રુઆરી-2021ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે.
મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટીન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું તકેદારીરૂપે ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી મતદાનના છેલ્લા કલાક એટલે કે 5 થી 6 વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. મુખ્યમંત્રી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે.આ પહેલાં 14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બ્લડ સ્યૂગર ઘટી ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા, જેને પગલે થાક અને તણાવને કારણે ચક્કર આવતા સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.