ભાજપના કટ્ટર રાજકીય વિરોધીઓની સરકાર ધરાવતા રાજ્યો પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં ભાગ લઈ રહ્યા છે. 2003માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મગજની ઉપજ સમાન વાઇબ્રન્ટ ગુજરાત તત્કાલીન સમયે બ્રાન્ડ ગુજરાતના દેશ તેમજ વિશ્વના ફલક પર એક ગ્લોબલ બિઝનેસ હબ તરીકે દર્શાવવા માટે શરુ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વાઇબ્રન્ટના આયોજનને ભરસક કોસનારા કોંગ્રેસની સરકાર ધરાવતા કર્ણાટક અને પંજાબ, જ્યારે ભાજપનો વિરોધ કરતા તેલગુ દેશમ પાર્ટી શાષિત આંધ્રપ્રદેશ અને બીજુ જનતા દળ શાષિત ઓડિશા વૈશ્વિક રોકાણની તક આપતા આ વેપાર કુંભમાં સત્તાવાર રીતે ભાગ લઈ રહ્યા છે અને તેટલું જ નહીં પોતાના રાજ્યમાં રહેલી રોકાણની તકો દર્શાવતા સેમિનાર પણ યોજનાર છે. સચિવાલયના ઉચ્ચ સૂત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ આ વેપાર કુંભમાં સહભાગી થવા માટે દેશના તમામ રાજ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં આ ચાર રાજ્યોએ ત્વરિત ઉત્તર આપ્યો હતો અને પોતાનું નામ સહભાગી તરીકે નિશ્ચિત કરાવ્યું હતું.ગુજરાતના મુખ્ય સેક્રેટરી જે.એન. સિંહે કહ્યું કે, ‘અમે આ કાર્યક્રમને રાજકીય રુપ આપી નથી રહ્યા.
આ એક ગેરરાજકીય કાર્યક્રમ છે જ્યાં કોઈપણ રાજ્ય ભાગ લઈ શકે છે પછી તે ભાજપ શાસિત હોય કે અન્ય પક્ષોની સરકાર હોય. તમામ રાજ્યોનું આ બિઝનેસ કુંભમાં સ્વાગત છે અને તેઓ સહભાગી બનીને પોતાના ક્ષેત્રમાં રહેલા રોકાણ અંગેની તકોને વૈશ્વિક ફલક પર વિસ્તાર કરી શકે છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એવા ક્યા સેક્ટર છે જેમાં અન્ય રાજ્યો રોકાણ માટે પોતાના પ્રસ્તાવ રાખી શકે છે. ત્યારે તેમણે જણાવ્યું કે, ‘ખાણ-ખનિજ, સૌર્ય ઉર્જા અને રીન્યુએબલ એનર્જી આ ઉપરાંત તેમને રાજ્યની માગ પ્રમાણે તેમને જે વિષયમાં રસ હોય તેવા તમામ ક્ષેત્રે રોકાણ મેળવવા માટે અહીં પ્રયાસ કરી શકે છે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેનાર રાજ્યોના પ્રતિનિધિઓ સાથે વિવિધ ક્ષેત્રે તક માટે ચર્ચા કરી રહ્યા છે.
આ અંગે ઓડિશાના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે એક રાજ્ય પૂરતી નથી આ એક વૈશ્વિક ફલક બની ગયું છે. વડાપ્રધાન મોદી પણ જુદા જુદા સ્વતંત્ર રોકાણકારો સાથે બેઠક કરશે અને દેશના જુદા જુદા વિસ્તારમાં પ્રોજેક્ટ્સમાં રોકાણથી થનાર લાભ અંગે તેમને જણાવશે.’ જોકે ગત વર્ષે ભાગ લેનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ વખતે તાજેતરની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સરકારની જગ્યાએ નવી કોંગ્રેસ સરકાર આવતા ભાગ નથી લઈ રહ્યા. વાઇબ્રન્ટ 2019માં ભાજપ શાસિત પ્રદેશો મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઝારખંડ ભાગ લઈ રહ્યા છે.