RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટેતા. ૧૯ થી ૨૧ ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.
RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૨૭/૦૭/૨૦૨૧નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૬૨,૯૮૫ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થઈ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર એવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃપસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય.
જે વિધાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા. ૧૯ થી ૨૧મી ઓગસ્ટ-૨૦૨૧દરમિયાન RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી.
શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.