Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી લેબોરેટરી સામે તપાસના આદેશો

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી લેબોરેટરી સામે તપાસના આદેશો
, ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:20 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૉવિડ-19ના એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે  કડકમાં કડક પગલાં લેવા આદેશો આપ્યા છે.
 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ વિષયે થયેલી ચર્ચા વિચારણાને અંતે  ખાનગી લેબોરેટરીઓ સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો  આરોગ્ય વિભાગને આપ્યા છે.
 
 
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પરીક્ષણ વિના કૉવિડ -19 ના બોગસ ટેસ્ટ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. 
મીડિયામાં આજે પ્રસિદ્ધ થયેલા અહેવાલોની રાજ્ય સરકારે ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે.
 
સુરત મહાનગરપાલિકાએ સુરતની તેજસ લેબ સામે એપેડેમીક એક્ટ અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરી છે. 
તેજસ લેબનું  લાયસન્સ રદ્ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
 
અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
 
સમગ્ર રાજ્યમાં ખાનગી લેબોરેટરીઓની તપાસ કરાશે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાનગી લેબોરેટરીની આકસ્મિક તપાસ કરશે અને જિલ્લાકક્ષાની ટીમો પણ તાત્કાલિક ખાનગી લેબોરેટરીઓની મુલાકાત લઈને તપાસ કરશે. 
ક્યાંય પણ ગેરરીતિ થયાનું કે બોગસ ટેસ્ટ રિપોર્ટ અપાયા હોવાનું ધ્યાને આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર - એસ.ઓ.પી પ્રમાણે કામગીરી કરે છે કે નહીં, તમામ લેબોરેટરીઓમાં ટેસ્ટિંગના રજીસ્ટરની યોગ્ય જાળવણી થાય છે કે નહીં,  તમામ લેબોરેટરીઓમાં યોગ્ય પેથોલોજીસ્ટ ઉપલબ્ધ છે કે નહીં, તમામ લેબોરેટરીઓ બાયોમેડિકલ વેસ્ટનો કઈ રીતે નિકાલ કરે છે વગેરે અંગે કડક તપાસ હાથ ધરવાના આદેશો કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા I-Create અને ઈઝરાયેલ વચ્ચે MOU થયા