અનામતની માંગને લઇને રાજસ્થાનમાં હાલ ગુર્જર સમાજ આંદોલન કરી રહ્યો છે. તેની અસર રેલવે યાતાયાત પર પડી રહી છે. આંદોલનના લીધે મુંબઇ-દિલ્હી મેન લાઇન પ્રભાવિત થઇ છે. ઉત્તર રેલવે ઝોનમાં આવનાર ટ્રેનો રાજસ્થાનમાં પ્રભાવિત થઇ રહી છે.
તેનાથી પશ્વિમ રેલવેની ટ્રેનો પણ પ્રભાવિત થઇ રહી છે. 1 નવેમ્બરના રોજ 02952 નવી દિલ્હી-મુંબઇ સેંટ્રલ રાજધાની એક્સપ્રેસને આ આંદોલના લીધે અચાનક ડાયવર્ટ કરવી પડી. આ ટ્રેન દિલ્હીથી મુંબઇ તરફ આવી રહી છે.
તેને વાયા મથુરા, આગરા, ઝાંસી, બીના, નાગદા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી. આ રૂટ પર ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને પશ્વિમ એક્સપ્રેસને પણ ડાયવર્ટ કરવામાં આવી. આ ડાયવર્જનથી આ ટ્રેનોને લગભગ 400 કિમી વધારાનું અંતર કાપવું પડે છે. તેનાથી આ ટ્રેનો 2 નવેમ્બરના રોજ સુરત અને મુંબઇ પોતાના નિર્ધારિત સમયના બદલે બે ત્રણ કલાક મોડી પહોંચશે. ગુર્જર આંદોલન લાંબો સમય ખેંચાતા આગામી દિવસોમાં પણ દિલ્હીથી મુંબઇ આવનાર ટ્રેનોને મોડી પહોંચવાની આશંકા છે.