રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેટદ્વારકાને ઓખામંડળ સાથે જોડતા લગભગ અઢી કિલોમીટર લાંબા કૅબલ-સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરશે, જેના પગલે બંને વિસ્તાર વચ્ચે સદીઓ પછી પહેલી વખત જમીનમાર્ગે જોડાશે.
આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, જેના હેઠળ આ વિસ્તારમાં ધાર્મિક ઉપરાંત અન્ય પ્રકારના પર્યટનને પ્રોત્સાહન આપવાનો તથા અન્ય નવીન આકર્ષણોને ઉમેરવામાં આવશે અને તેમાંથી અમુકની જાહેરાતો તાજેતરની મુલાકાત વખતે થઈ શકે છે.
Signature bridge between Okha-Bet ready
બેટદ્વારકાનું વધુ એક નામ શંખોદ્વાર પણ છે અને તેની પાછળ કહાણી પણ છે. ટાપુ સાથે ધાર્મિક, પૌરાણિક, પુરાતત્ત્વીય અને ઐતિહાસિક મહત્ત્વ પણ જોડાયેલું છે. જોકે, અહીંના પ્રકલ્પોની પાછળ રાજકીય ગણતરીઓ રહેલી હોવાનું પણ મનાય છે.
પ્રચલિત માન્યતા પ્રમાણે, મહાભારતના સમયમાં દ્વારકા તથા બેટદ્વારકાનો ઉલ્લેખ છે, પરંતુ એથી પણ જૂની દંતકથા આ વિસ્તાર સાથે જોડાયેલી છે. હિંદુ ઉપરાંત શીખ ધર્મનું મહત્ત્વપૂર્ણ ગુરુદ્વારા તથા મુસ્લિમોનાં આસ્થાકેન્દ્રો પણ અહીં આવેલાં છે.