Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેનેડાથી આવશે 2 સી-પ્લેન, રિવરફ્રન્ટથી આટલી મિનિટમાં પહોંચી જશો સ્ટેચ્યૂ ઓફ યુનિટી

કેનેડાથી આવશે 2 સી-પ્લેન, રિવરફ્રન્ટથી આટલી મિનિટમાં પહોંચી જશો સ્ટેચ્યૂ ઓફ યુનિટી
, ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (12:54 IST)
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ ડેમ, ધરોઇ ડેમ, તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે. 
 
દેશના અલગ અલગ રાજ્યોમાં સી પ્લેન મથકો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેથી ટૂરિઝમને પણ વેગ મળશે. ધાર્મિક માન્યતા ધરાવતા સ્થળો પરથી કનેક્ટિવિટી સારી રહેશે. શરૂઆતી તબક્કા માટે સરકારે 5 સ્થળોની પસંદગી કરી છે. દેશમાં પહેલીવાર 31 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. 
 
20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઈટમાં બે વિદેશી પાઇલટ અને બે ક્રૂ-મેમ્બર હશે, જે 6 મહિના અહીં રોકાશે અને ભારતીય પાઇલટ, ક્રૂ-મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનું 220 કિમીનું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે.
 
બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધીના 250 કિમી વચ્ચે સી પ્લેન શરૂ કરવામાં આવશે. આ બંને જગ્યા પ્રવાસનની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંને ડેમ સાઇટ પર જેટી ઉભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પુરા કરવામાં આવશે. આ બંને રૂટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન શરૂ થઈ જાય તેવું આયોજન છે.
 
18 સીટર વિમાનમાં એકસાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ વિમાન નોન-શિડ્યૂલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પેસેન્જરોનો સારો રિસ્પોન્સ મળશે તો એક વર્ષ બાદ તમામ ફ્લાઈટ શિડ્યૂલ કરાશે. સાબરમતી નદીમાં તેમજ કેવડિયા ખાતે પોન્ડ - 3માં વિમાનના લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે ત્યારે બંને જગ્યાએ વિમાન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સી પ્લેનની મુસાફરી કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદી સાબરમતીના કિનારેથી સી પ્લેનમાં બેસીને અંબાજી મંદિર સુધી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે