સુરત શહેરના ભટાર ખાતે લાડકવાયો પુત્રના મોતના વિરહમાં ઝૂરતા માતા-પિતાએ આજે ચોથી માસીક પુણ્યતિથિના રોજ ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગયો હતો.
નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ભટાર ટેનામેન્ટ પાસે ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ બાબુલાલ પટેલ અને તેમની પત્ની પાલીબેન ઉંમર વર્ષ 44 આજે સવારે ઘરમાં પંખો કાઢી હુક સાથે બંનેએ ગળામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો જીવન ટૂંકાવ્યું હતું.
ભરતભાઈના સબંધીએ કહ્યું હતું કે ભરતભાઈના 22 વર્ષીય પુત્ર પ્રેમ કેન્સરની બિમારીમાં ઝપેટમાં આવતાં ચાર માસ પહેલા અવસાન થયું હતું. જોકે લાડકવાયા પુત્રના મોતના વિરહમા ભરતભાઈ અને તેમની પત્ની ઝુરતા હતા. તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી પુત્રની ચોથી માસીક પુણ્યતિથિના રોજ આ પગલું ભર્યું હતું.
દિવાળી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ ભટાર વિસ્તારમાં દંપતીએ આ પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે તેમના રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે પુત્રના મોત બાદ જીવવું નથી અમારા મોતના જવાબદાર અમે પોતે છે.
નોંધનીય છે કે ભરતભાઈ મુળ મહેસાણાના પાટણના ગંજા ગામના વતની હતા. તે ભટારરોડ પર ઉમિયા જવેલર્સ નામની દુકાન ધરાવતા હતા. જોકે દંપતીનું સામૂહિક આપઘાતને લીધે તેમના પરિવારજનો અને સંબંધીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.