સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ અગાઉ ભાજપ સરકારે વિરોધવંટોળનો સામનો કરવો પડે તેમ છે કેમકે, આદિવાસીઓએ ચૂલા નહી સળગાવીને વિરોધ કરવા એલાન કર્યુ છે ત્યા હવે પાટીદારોએ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમથી અળગા રહેવા નક્કી કર્યુ છે.
૩૧મીએ એસપીજીએ રાજકોટમાં એક વિશાળ કર્મવીર રેલી યોજવા આયોજન ઘડયુ છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું કે, સરદાર તો ખેડૂતોના હામી હતા પણ ભાજપ તો ખેડૂતોની વિરોધી હોય તેવુ વર્તી રહી છે. ભાજપ માત્રને માત્ર સરદારના નામે રાજનીતિ રમી રહી છે.અનામત ન મળતાં નારાજ પાટીદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાનો આ રાજકીય કારસો જ છે.
સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે મહેસાણાથી ૧૪૩ કારોનો કાફલો રાજકોટ જવા રવાના થશે. આ રેલીમાં સરદાર પટેલ ઉપરાંત માં ખોડલની સુશોભિત પ્રતિમા હશે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. આમ,સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમની સમાંતર પાટીદારોએ પણ કાર્યક્રમ આયોજિત કર્યો છે.