ગુજરાતના રાજકારણમાં અસ્તિત્વ બનાવી રાખવા ઝંખતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની અટકળો જાતે જ તેજ કરી છે. હાલ જ્યાં કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ હિલચાલ નથી ત્યારે વાઘેલાએ સામેથી કહ્યું હતું કે હું કોંગ્રેસ જો ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં જોડાઉં.
આ અગાઉ પણ વાઘેલા અનેક વખત ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે ફરી જણાવ્યું કે, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં પોલીસથી માંડીને ઉપર સુધી પહોંચતા હોવાથી દારૂબંધીનો ચુસ્ત અમલ થતો નથી અને લોકોને મોંઘો પણ હલકી ગુણવત્તાનો દારૂ પીવો પડે છે. દારૂબંધી દૂર થાય તો ગુજરાત સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થાય અને તે વિકાસ માટે ઉપયોગી બને.વાઘેલાએ જણાવ્યું કે, દારૂબંધીના નાટકનો હું વિરોધી છું, એટલે કોંગ્રેસના ધારાસભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે અને મને હાઇકમાન્ડ એવું કહે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો નથી તો હું તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવીશ.આ કવાયત તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન વસંત વિહાર ખાતે યોજી હતી. તેમણે પોતાના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના રાજકીય મોરચાના બેનરને ફરી સજીવન કર્યું છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ફરી પોતાનું સંગઠન સક્રિય કરશે.