પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે GIFT-IFSCમાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ (IIBX) પણ શરૂ કર્યું હતું. તેમણે NSE IFSC-SGX કનેક્ટ પણ લૉન્ચ કર્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, રાજદ્વારીઓ, વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ દિવસ ભારતની વધતી જતી આર્થિક અને તકનીકી શક્તિ માટે અને ભારતનાં પરાક્રમમાં વધતા વૈશ્વિક વિશ્વાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. “આજે, ગિફ્ટ સિટીમાં, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી - IFSCA હેડ ક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હું માનું છું કે, આ ઈમારત તેનાં આર્કિટેક્ચરમાં જેટલી ભવ્ય છે, તે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે અમર્યાદિત તકો પણ ઊભી કરશે,” એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે IFSC નવીનતાને પ્રોત્સાહન આપશે અને તે એક સક્ષમ તેમજ વૃદ્ધિ માટે ઉત્પ્રેરક બનશે. આજે શરૂ કરાયેલી સંસ્થાઓ અને પ્લેટફોર્મ્સ 130 કરોડ ભારતીયોને આધુનિક વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવામાં મદદ કરશે. "ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા દેશોની લીગમાં પ્રવેશી રહ્યું છે જે વૈશ્વિક ફાઇનાન્સને દિશા આપી રહ્યા છે" એમ તેમણે ઉમેર્યું હતું.
ગિફ્ટ-સિટીના તેમના મૂળ ખ્યાલ પર પાછા જતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગિફ્ટ-સિટી માત્ર બિઝનેસ માટે નથી પરંતુ દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ ગિફ્ટ સિટીનાં વિઝનનો એક ભાગ છે. GIFT-સિટીમાં ભારતનાં ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, અને ભારતના સોનેરી ભૂતકાળનાં સપનાઓ પણ તેની સાથે જોડાયેલાં છે”.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 2008માં જ્યારે વિશ્વ આર્થિક સંકટ અને મંદીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતમાં નીતિ વિષયક લકવાનું વાતાવરણ હતું. “પરંતુ, તે સમયે ગુજરાત ફિનટેકનાં ક્ષેત્રમાં નવાં અને મોટાં પગલાં લઈ રહ્યું હતું. મને આનંદ છે કે આજે આ વિચાર આટલો આગળ વધ્યો છે”, એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીનાં હબ તરીકે મજબૂત છાપ ઊભી કરી રહ્યું છે. ગિફ્ટ સિટી સંપત્તિ અને શાણપણ બંનેની ઉજવણી કરે છે. તેઓ એ જોઈને પણ ખુશ હતા કે GIFT સિટી દ્વારા, ભારત વૈશ્વિક સ્તરે સર્વિસ સેક્ટરમાં મજબૂત હિસ્સા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ગિફ્ટ-સિટી એક એવું સ્થળ છે જ્યાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે અને વિશ્વનાં શ્રેષ્ઠ મગજ એકત્ર થઈ રહ્યાં છે અને શીખી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક રીતે, તે નાણાં અને બિઝનેસીસમાં ભારતનું ગૌરવ પુનઃપ્રાપ્ત કરવાનું એક માધ્યમ પણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે વાઇબ્રન્ટ ફિનટેક સેક્ટરનો અર્થ માત્ર સરળ બિઝનેસ વાતાવરણ, સુધારા અને નિયમો નથી. તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકોને વધુ સારું જીવન અને નવી તકો આપવાનું પણ એક માધ્યમ છે.
તેમણે કહ્યું કે આઝાદી પછી, કદાચ ગુલામી અને નબળાં આત્મવિશ્વાસની અસરને કારણે હોઈ શકે, દેશ વેપાર અને નાણાંના ગૌરવપૂર્ણ વારસાથી દૂર રહ્યો અને વિશ્વ સાથે તેના સાંસ્કૃતિક, આર્થિક અને અન્ય સંબંધોને મર્યાદિત કર્યા. "જો કે, હવે, 'નવું ભારત' આ જૂની વિચારસરણીને બદલી રહ્યું છે અને આજે એકીકરણ એ આપણા સૌથી મહત્વપૂર્ણ એજન્ડામાંનું એક છે. આપણે વૈશ્વિક બજાર અને વૈશ્વિક પુરવઠા શૃંખલા સાથે ઝડપથી સંકલિત થઈ રહ્યા છીએ,” એમ તેમણે કહ્યું. “ગિફ્ટ-સિટી એ ભારત તેમજ વૈશ્વિક તકો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. જ્યારે તમે GIFT-સિટી સાથે સંકલિત થાઓ છો, ત્યારે તમે સમગ્ર વિશ્વ સાથે સંકલિત થશો”, એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી ભવિષ્યમાં, જ્યારે આપણી અર્થવ્યવસ્થા આજની સરખામણીએ મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારે જ તૈયાર રહેવું પડશે. આ માટે આપણને એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ - IIBX, તેમણે કહ્યું કે, તે દિશામાં એક નિર્ણાયક પગલું છે. તેમણે ભારતીય મહિલાઓનાં આર્થિક સશક્તીકરણને સુનિશ્ચિત કરવામાં સોનાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની ઓળખ માત્ર એક મોટાં બજાર સુધી સીમિત ન રહેવી જોઈએ પરંતુ તે માર્કેટ મેકર હોવી જોઈએ. તેમણે ઉમેર્યું, “એક તરફ, આપણે સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક મૂડી લાવી રહ્યા છીએ. બીજી તરફ, આપણે વૈશ્વિક કલ્યાણ માટે સ્થાનિક ઉત્પાદકતાનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની તાકાત રોકાણકારોને સારું વળતર આપવાથીય આગળ છે. તેમણે જણાવ્યું હતું કે "એ સમયે જ્યારે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે અને વિશ્વ આ અનિશ્ચિતતાથી ડરી રહ્યું છે, ત્યારે ભારત વિશ્વને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓની ખાતરી આપી રહ્યું છે." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે “મને નવા ભારતની નવી સંસ્થાઓ પાસેથી, નવી વ્યવસ્થાઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને મને તમારામાં પૂરો વિશ્વાસ છે. આજે 21મી સદીમાં ફાઇનાન્સ અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલાં છે. અને જ્યારે ટેક્નૉલૉજી, વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે ધાર અને અનુભવ પણ છે.” પ્રધાનમંત્રીએ ફિનટેકમાં ભારતનાં નેતૃત્વને રેખાંકિત કરતી વખતે, GIFT-સિટીના હિતધારકોને ફિનટેક પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. "હું અપેક્ષા રાખું છું કે તમે બધા ફિનટેકમાં નવી નવીનતાઓને લક્ષ્યાંકિત કરશો અને GIFT IFSC ફિનટેકની વૈશ્વિક પ્રયોગશાળા તરીકે ઉભરી આવશે."
પ્રધાનમંત્રીએ વ્યક્ત કરેલી બીજી અપેક્ષા GIFT IFSC એ ટકાઉ અને આબોહવા પ્રોજેક્ટ્સ માટે વૈશ્વિક ઋણ અને ઇક્વિટી મૂડીનું ગેટવે બનવાની હતી. ત્રીજું, IFSCA એ એરક્રાફ્ટ લીઝિંગ, શિપ ફાઇનાન્સિંગ, કાર્બન ટ્રેડિંગ, ડિજિટલ કરન્સી અને રોકાણ વ્યવસ્થાપન માટે IP અધિકારોમાં નાણાકીય નવીનતાઓ માટે કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે “IFSCA એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુબઈ અને સિંગાપોર જેવા દેશોની સરખામણીમાં નિયમન અને ઓપરેશન ખર્ચને પણ સ્પર્ધાત્મક બનાવવો જોઈએ. "તમારો ઉદ્દેશ્ય નિયમનોમાં અગ્રેસર બનવાનો, કાયદાનાં શાસન માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવાનો અને વિશ્વના મનપસંદ આર્બિટ્રેશન સેન્ટર તરીકે ઉભરવાનો હોવો જોઈએ"
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લાં 8 વર્ષમાં દેશમાં નાણાકીય સમાવેશની નવી લહેર જોવા મળી છે. ગરીબમાં ગરીબ લોકો પણ આજે ઔપચારિક નાણાકીય સંસ્થાઓમાં જોડાઈ રહ્યા છે. આજે, જ્યારે આપણી મોટી વસ્તી ફાઇનાન્સ સાથે જોડાઈ છે, ત્યારે સમયની જરૂરિયાત છે કે સરકારી સંસ્થાઓ અને ખાનગી ખેલાડીઓ સાથે મળીને આગળ વધે એમ તેમણે કહ્યું. લોકો વૃદ્ધિ માટે રોકાણ કરવા ઇચ્છતા હોવાથી પ્રધાનમંત્રીએ મૂળભૂત બૅન્કિંગથી ઉપર નાણાકીય સાક્ષરતા માટે આહવાન કર્યું હતું.
ગિફ્ટ સિટી, IFSCA, IIBX અને NSE IFSC-SGX કનેક્ટ વિશે
ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)ની કલ્પના માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે નાણાકીય અને તકનીકી સેવાઓ માટે એક સંકલિત હબ તરીકે કરવામાં આવી હતી. IFSCA એ ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs) માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. આ બિલ્ડીંગને આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
IIIBX ભારતમાં સોનાનાં નાણાકીયકરણને વેગ આપવા ઉપરાંત જવાબદાર સોર્સિંગ અને ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા આપશે. તે ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્ત બનાવશે. IIBX એ ભારત સરકારની એ પ્રતિબદ્ધતાને પણ પુનઃ અમલમાં મૂકે છે જેથી ભારત મુખ્ય ઉપભોક્તા તરીકે વૈશ્વિક બુલિયનના ભાવને પ્રભાવિત કરી શકે.
NSE IFSC-SGX કનેક્ટ એ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)માં NSEની પેટાકંપની વચ્ચેનું માળખું છે. કનેક્ટ હેઠળ, સિંગાપોર એક્સચેન્જના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. ભારતમાંથી અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રોથી બ્રોકર-ડીલર્સ કનેક્ટ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે. તે GIFT-IFSC પર ડેરિવેટિવ્ઝ બજારોમાં પ્રવાહિતાને વધુ ઊંડી બનાવશે, વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને GIFT-IFSCમાં નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર કરશે.